ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા, જાણો ફળ પાકોમાં શું કાળજી લેવી જોઈએ
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
હાલમાં ખરીફ સિઝન (Kharif Season) ચાલી રહી છે. ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.
બાગાયતી પાકોમાં ખેતી કાર્ય
1. દરેક ફળ ઝાડને સમયસર સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો આપવા જોઈએ.
2. ખાતરો કેટલા પ્રમાણમાં આપવા તે ફળ પાકની જાત, ઝાડની ઉંમર અને જમીનના પ્રકાર મૂજબ આપવા.
3. છાણિયું ખાતર ચોમાસા પહેલા એક જ હપ્તામાં આપીને જમીનમાં માટી સાથે ભેળવવું જોઈએ.
4. પુખ્ત વયના ફળ પાકોને ૧.૫ મીટરના ઘેરાવામાં ૩૦ સે.મી. પહોળી અને ૧૫ સે.મી. ઊંડી ચર બનાવી તેમાં ભલામણ મુજબ ખાતરો આપવા.
5. સામાન્ય રીતે લોહ, જસત, મેંગેનીઝ તથા બોરોનની ઉણપવાળા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખાસ કરીને લીંબુ અને જામફળમાં આ ઉણપ વધુ જોવા મળે છે.
6. જે ઝાડ પર વર્ષમાં એકથી બે વાર નવા પાન નીકળતા હોય ત્યારે લોહ એકથી બે ટકા, જસત ૦.૫ ટકા, મેંગેનીઝ ૦.૫ ટકાનો છંટકાવ કરવો હિતાવહ છે.
ફળપાકની રોપણી બાદની કાળજીઓ
1. ભલામણ મુજબની જ જાતની વાવણી કરવી. વરસાદ થયા બાદ ભલામણ મુજબના ખાતરો આપવા.
2. મૂળકાંડ ઉપરથી ફૂટેલ નવી કુંપળો દુર કરવી. વૃદ્ધિ પામતા કલમ રોપને યોગ્ય આકાર આપવા માટે જરૂરી કાપણી કરવી.
3. દેશી ખાતરની અવેજીમાં લીલા પડવાશનો ઉપયોગ કરી શકાય.
4. ફળ પાકના વાવેતર માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે અને સારો વરસાદ થયા બાદ રોપણી કરવી.
5. કલમને મજબુત ટેકો આપવો તથા પવન અને ગરમ તાપના રક્ષણ માટે વાડોલીયું બનાવવું.
આ પણ વાંચો : ખેડૂતોએ ઓગસ્ટ માસમાં કઠોળ વર્ગના પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
6. વરસાદ ખેંચાય ત્યારે ૮ થી ૧૦ દિવસે પિયત આપવું. વરસાદ દરમિયાન ખામણામાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી.
7. છોડ ફરતે સમયાંતરે નિંદામણ કરવું. પવન અવરોધક વાડની જાળવણી કરવી તેમજ રોગ-જીવાત સામે સમયસર પગલા લેવા.
8. ઉપરોક્ત તમામ બાબતોની ચોપડામાં નોંધ કરી રેકર્ડ રાખવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી