સમગ્ર દેશમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં નદીઓ અને નાળાઓમાં છલકાયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ બાગાયત અને શાકભાજીની ખેતી (Vegetables Farming) કરતા ખેડૂતો માટે સમસ્યા બની ગયો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ટામેટા, કેપ્સીકમ, લીલા મરચા, કોબીજ સહિતના લીલા શાકભાજીને ભારે નુકસાન થયું છે.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદની વાત કરીએ તો અહીં વરસાદના કારણે લીલા શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેતરમાં પાણી ભરાવાને કારણે દુધી, કાકડી અને ભીંડા સહિતના ઘણા પાકને નુકશાન થયું છે. તેમાં પણ લીલા મરચાની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે લીલા મરચાનો પાક સારો થયો હતો. તેઓને આશા હતી કે, મરચાનું વેચાણ કરીને સારી આવક મળશે, પરંતુ વરસાદે બધા સપના પર પાણી ફેરવી દીધું છે.
વરસાદના કારણે મરચા ઉત્પાદક ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે. મુરાદાબાદના દેવપરમાં વરસાદને કારણે ખેડૂતોનો મરચાનો પાક બરબાદ થઈ ગયો છે. તેવી જ રીતે, શામલી જિલ્લામાં ટામેટા, દુધી અને લીલા મરચાના પાક બરબાદ થયો છે.
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કેટલાય હેક્ટરમાં ઉગાડવામાં આવેલ શાકભાજીનો પાક નાશ પામ્યો છે. જેના કારણે અનેક ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. વરસાદને કારણે ટામેટા અને કેપ્સીકમનો પાક ખેતરોમાં વેરવિખેર થઈ ગયો છે. આ ઉપરાંત ટામેટા પણ પાણીમાં પલળીને સડવા લાગ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદને કારણે જિલ્લામાં 30% પાક નાશ પામ્યો છે. ખેડૂતોની માગ પર અધિકારીઓને નુકસાનનો સરવે કરવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Success Story: ટીચરની નોકરી છોડીને ભાઈઓએ નર્સરીનો બિઝનેસ શરૂ કર્યો, આમ કમાણી વધી
સોલન જિલ્લામાં ખેડૂતો 5800 હેક્ટરમાં ટામેટાની ખેતી કરે છે. આ જિલ્લામાં ટામેટાનું વાર્ષિક 80 કરોડનું ટર્નઓવર થાય છે. તેવી જ રીતે ખેડૂતો કેપ્સિકમનું એક વર્ષમાં 26290 ક્વિન્ટલ ઉત્પાદન કરે છે, જેનું વેચાણ કરીને 41.20 કરોડ રૂપિયાની કમાણી થાય છે. વરસાદના કારણે 30% પાક બરબાદ થઈ જાય તો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.