દેશમાં ચોમાસાની (Monsoon) શરૂઆત થતા જ હાલ ખરીફ સિઝન ચાલી રહી છે. જુદા-જુદા રાજ્યના ખેડૂતોએ (Farmers) પોતપોતાના પ્રદેશ અને જમીન અનુસાર ખરીફ પાકોની વાવણી કરી છે. ખેડૂતો અનાજ અને રોકડીયા પાકોની સાથે લીલા શાકભાજીની ખેતી પણ કરતા હોય છે. બિહાર, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણામાં ખેડૂતો ધાન્ય પાકોની સાથે બાગાયતી પાકમાં પણ રસ લઈ રહ્યા છે.
જો બટાકાના ઉત્પાદનની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ પ્રથમ છે તેવી જ રીતે ભીંડાના ઉત્પાદનમાં બિહાર આગળ છે. આમ દેશમાં ખેડૂતો અલગ-અલગ પ્રકારની શાકભાજીની ખેતી કરી રહ્યા છે. લીલા શાકભાજીમાં જો દુધીની વાત આવે તો તે બજારમાં સરળતાથી ઉપલાબ્ધ થઈ જાય છે. દુધીનો ભાવ 20 થી 40 રૂપિયા પ્રતિ કિલો હોય છે.
દુધીમાં ઔષધીય ગુણો જેવા કે વિટામિન સી, પ્રોટીન, આયર્ન, સોડિયમ અને પોટેશિયમ હોય છે. તેનાથી એસિડિટી અને ગેસથી રાહત મળે છે. દુધીની પ્રકૃતિ ઠંડી હોવાથી તે પેટને ઠંડુ રાખે છે. આવા અનેક સ્વાસ્થ્ય ફાયદાના કારણે દુધીની બજારમાં હંમેશા માગ રહે છે. આથી જ ખેડૂતો દુધીની ખેતી કરી સારી આવક મેળવી શકે છે.
દુધીની ખેતી આમ તો દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે, પરંતુ ભરભરી જમીન વધુ માફક આવે છે. તેના માટે જમીનનું pH લેવલ 6 થી 7 ની વચ્ચે સારૂ માનવામાં આવે છે. દુધીની ખેતી માટે ખેતરમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. અર્કા શ્રેયસ, અર્કા બહાર, અર્કા નૂતન અને કાશી કુંડલ જેવી દુધીની ઘણી જાતો છે. ખેડૂતો તેમાંથી યોગ્ય જાતની પસંદગી કરી ખેતી કરી શકે છે. ખેડૂતો 1 વર્ષ દરમિયાન 3 વખત ખેતી કરી શકે છે. જો ખરીફની વાત કરવામાં આવે તો ખેડૂતો જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવેતર કરી શકે છે.
આ પણ વાંચો : Paddy Farming: ખેડૂત ભાઈઓએ ડાંગરની રોપણી કરતા પહેલા અપનાવો આ નુસખા, બમ્પર ઉપજ મળશે
દુધીની વાવણી કર્યા પછી 2 મહિના બાદ તેનું ઉત્પાદન શરૂ થાય છે. દુધીની લણણી વખતે હંમેશા દાંડી સાથે જ તોડવી જોઈએ, જેથી કરીને લાંબા સમય સુધી દુધી તાજી રહે છે. ખેડૂતો 1 એકરમાં દુધીન ખેતી કરે છે તો અંદાજે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. બે માસ બાદ દુધીનું લગભગ 70 થી 90 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળે છે. ઉપરોક્ત મૂજબ ગણતરી કરવામાં આવે તો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે.
Published On - 12:51 pm, Thu, 6 July 23