Agriculture: ખેડૂતોએ કપાસ અને ડાંગરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
Agriculture: ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયાર, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. હાલમાં પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. કપાસ (Cotton) અને ડાંગરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
કપાસના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. ઋતુ દરમ્યાન રોગ અને જીવાતના નિયંત્રણ માટે સંકલિત રોગ-જીવાતના નિયંત્રણ પગલાં લેવા.
2. વધારના કપાસના છોડને ધીમેથી ખેચી કાઢવા તથા જે જગ્યાએ ખાલા પડેલ હોય તે ખાલા પૂરવા.
3. વાવેતર બાદ એક માસના અંતરે નાઈટ્રોજનયુક્ત ખાતર આપવું.
4. થ્રીપ્સ, સફેદમાંખી, તડતડીયાનાં નિયંત્રણ માટે મોજણી અને નિગાહ કરતા આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બ્યુવેરીયા બાસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
5. થાયાકલોપ્રીડ ૬ મિ.લી. અથવા ફુલોનીકામાઇડ ૩- ૪ ગ્રામ, ડાયફેન્થુરોન ૧૦ ગ્રામ, ડીનોટેફયુરાન ૧૦ ગ્રામ, પ્રોફેનોફોસ ૧૦ મિ.લી., ફીપ્રોનીલ ૧૦ મિ.લી., ઈમીડાકલોપ્રીડ ૨-૩ મિ.લી., ફેનવાલરેટ ૧૦ મિ.લી. પૈકી કોઈપણ એક કીટનાશક ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
6. કપાસમાં મુળખાઈનાં નિયત્રણ માટે કોપર ઓક્ઝીફ્લોરાઈડ ૧૫-૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી ડ્રેન્સિંગ કરવું.
આ પણ વાંચો : જુલાઈ મહિનામાં આ ત્રણ કઠોળની ખેતીથી ખેડૂતો કરી શકે છે સારી એવી કમાણી, જાણો આ પાક વિશે
ડાંગરના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. પાનનાં ટપકાની રોગ (સરકોસ્પોરા): રોગની શરૂઆત થયેથી ૦.૦૦૫% હેક્ઝાકોનાઝોલ અથવા કાર્બેન્ડાઝીમ ૦.૦૨૫%ના દ્રાવણના ૧૨ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા.
2. ભુકીછારો: રોગની શરૂઆત થયેથી ૦.૧૫% વેટેબલ ગંધક અથવા હેક્ઝાકોનાઝોલના દ્રાવણના ૧૫ દિવસના અંતરે ત્રણ છટકાવ કરવા.
3. ગાભમારાની ઈયળનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ ધરુંવાડિયા જ શરુ થઈ જતો હોઈ એમામેકટીન બેન્ઝોએટ ૪ ટકા અથવા કાર્ટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ % દાણાદાર કીટનાશક ૧ કિ.ગ્રા. / ૧૦૦ ચો.મી. (૧ ગુઠા) વિસ્તારમાં પ્રથમ હપ્તો ધરૂ નાખ્યા બાદ ૧૫ દિવસે આપવો.
4. તીતીઘોડોનાં નિયંત્રણ માટે સાયપરમેથીન ૧૦ ટકા શેઠા પાળા પર છંટકાવ કરવો અથવા ક્લોરપાઈરીફોસ ૪ લીટર રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટરમાં ઉભા પાકમાં પૂંકી દેવું.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી