Dominos Data Hacked : ડોમિનોઝના ગ્રાહકોનો ડેટા ચોરાયો, જાણો શું થઇ શકે છે દુરુપયોગ ?
જો તમે ડોમિનોઝ પરથી રેગ્યુલર ઓર્ડર કરતા હતા તો તમારો પણ ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે મુકાયો હોય શકે છે.
Dominos Data Hacked : પિત્ઝા ચેઇન બ્રાંડ ડોમિનોઝ (Dominos) સાઇબર હુમલાનું (Cyber Attack) ભોગ બન્યુ છે અને તેના યૂઝર્સના ડેટા લીક થઇ ચૂક્યા છે. લગભગ 18 કરોડ જેટલા ઓર્ડર્સની માહિતી હવે ડાર્ક વેબ (Dark Web) પર જોવા મળી રહી છે. એપ્રિલની શરૂઆતમાં, એક હેકરે દાવો કર્યો હતો કે તેણે 13 TB જેટલા ડોમિનોઝના ડેટાનો એક્સેસ મેળવી લીધો છે જેનાથી તેને 18 કરોડ જેટલા ઓર્ડર્સની વિગતો હાથ લાગી છે જેમાં યૂઝર્સનો મોબાઇલ નંબર, ઇમેલ એડ્રેસ (Email Address), પેમેન્ટ ડિટેલ્સ (Payment Details) અને ક્રેડિટ કાર્ડની (Credit Card) માહિતી સામેલ છે.
તમને જણાવી દઇએ કે, મહિનાની શરઆતમાં જ આ ડેટા લીક થઇ ગયો હતો પરંતુ તેને લઇને ગ્રાહકોને કોઇ જાણકારી આપવામાં આવી ન હતી. આ ડેટામાં ફક્ત યૂઝર્સના જ નહીં પરંતુ કંપનીના 250 કર્મચારીઓની માહિતી અને કંપનીની કેટલીક ફાઇલ પણ સામેલ છે જેની સાઇઝ લગભગ 13TB છે.
ડેટા લીકમાં ગ્રાહકોના ક્રેડિટ/ડેબિટ કાર્ડની જાણકારી, મોબાઇલ નંબર, નામ, ઇમેલ આઇડી, એડ્રેસ અને પેમેન્ટ ડિટેલ્સને લગતી જાણકારીઓ સામેલ છે સાથે જ કંપનીની 2015 થી લઇને 2021 સુધીની ડેટા ફાઇલ્સ પણ ચોરી થઇ ગઇ છે. ડાર્ક વેબ પર પોસ્ટ એક મેસેજ પ્રમાણે હેકર્સ આ ડેટાને લઇને એક સર્ચ પોર્ટલ બનાવવા જઇ રહ્યા છે જ્યાં લોકો લીક ડેટા માટે સર્ચ કરી શકશે.
યૂઝર્સના ડેટાનો થઇ શકે છે દુરુપયોગ
હાલના ડિજીટલ યુગમાં લોકો બધી વસ્તુઓ ઓનલાઇન મંગાવતા હોય છે જેને કારણે વિવિધ ઇ-કોમર્સ વેબસાઇટ્સ અને એપ્લિકેશન પર તેમની ખાનગી માહિતી અને પેમેન્ટની ડિટેલ્સ સેવ હોય છે. કંપનીઓ પાસે તેમના ડેટામાં પણ આ માહિતીઓ સચવાયેલી હોય છે. જ્યારે પણ આવી કોઇ કંપનીના ડેટા હેક થઇ જાય છે ત્યારે હેકર પાસે તમારી ખાનગી માહિતી પણ પહોંચે છે જેનો ઘણી બધી રીતે દુરુપયોગ થઇ શકે છે.
- તમે જોયુ હશે કે ઘણી વાર તમને કંપનીઓમાંથી ફોન આવતા હશે વિવિધ ઓફર્સ લઇને અને તેમની પાસે તમારા નામ, સરનામાં જેવી ખાનગી માહિતી પણ હશે. તમે વિચારશો કે તેમને તમારા વિશે આટલી બધી ખબર કઇ રીતે છે.
- તમને જણાવી દઇએ કે તમે ઘણી બધી એપ્લિકેશન વાપરતા હશો જેમાં લોગિન કરવાના સમયે તમારી પાસે કેટલીક માહિતી ભરાવવામાં આવે છે જેમાં તમારું નામ, બર્થ ડેટ, ઇમેઇલ આઇડી અને ફોન નંબર લેવામાં આવે છે આ કંપની જ્યારે ટર્મ્સ એન્ડ કંડિશન સિલેક્ટ કરવા તમને જણાવે છે ત્યારે તમે તે સંપૂર્ણ વિગત વાંચ્યા વગર તેને મંજૂરી આપી દો છો.
- આ કંપનીઓ યૂઝર્સના ડેટા સેવ કરીને તેમની પ્રોફાઇલ બનાવી અન્ય કંપનીઓને વેચીને કરોડો રૂપિયા ઉભા કરે છે, અને આ ડેટાનો ઉપયોગ કરીને અન્ય કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સની જાહેરાત તમને કરે છે. યૂઝર્સની ઉંમર, જેન્ડરના હિસાબથી કંપનીઓ તેમના કામની વસ્તુઓના વેચાણ માટેની જાહેરાત કરે છે. આજના યુગમાં દરેક કંપનીઓ ડિજીટલ માર્કેટિંગનો સહારો લે છે પોતાનું વેચાણ વધારવા માટે.
- આજકાલ સાઇબર ફ્રોડ ખૂબ વધી ગયુ છે. રોજ છાપામાં અને સમાચારમાં તમે જોતા હશો કે ઇન્ટરનેટ બેકિંગની માહિતી મેળવીને એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉચકાઇ જાય છે. ઠગોને જો તમારી પેમેન્ટ ડિટેલ કોઇ ડાર્ક વેબ પરથી મળી શકતી હોય તો તમને પણ બેંકના નામે ફોન આવી શકે છે અને તમારા કાર્ડની ડિટેલ્સ તમને જણાવીને પોતે બેંકના કર્મચારી હોવાનો ભરોસો આપીને તમારા એકાઉન્ટમાંથી પણ રૂપિયા સાફ કરી શકે છે.
- કોઇ ગુનેગારને જો તમારી ખાનગી માહિતી મળી જાય તો તે તમને બ્લેક મેઇલ પણ કરી શકે છે સાથે જ તમારા નંબર અને નામનો ઉપયોગ કરીને તમારા નામનું સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ પણ બનાવી શકે છે.
- તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને અન્ય પેમેન્ટ ડિટેલ્સ મેળવીને ઓનલાઇન ટ્રાંઝેક્શન કરીને પણ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે.
આ પહેલી વાર નથી કે જ્યારે કોઇ મોટી અને લાખો, કરોડો યૂઝર ધરાવતી કંપનીના ડેટા લીક થયા હોય આની પહેલા ફેસબુક પર પણ પોતાના યૂઝર્સના ડેટા લીક કરવાનો આરોપ લાગ્યો હતો. હાલમાં જ વોટ્સએપની નવી પ્રાઇવસી પોલીસીને લઇને વિવાદ થઇ ચૂક્યો છે.
શું ધ્યાનમાં રાખવુ ?
- કોઇ પણ એપ્લિકેશન અથવા તો ઇ-કોમર્સ વેબસાઇટ પર લોગિન કરતી વખતે તેમની પ્રાઇવસી પોલીસીને ધ્યાનથી વાંચો અને તમને યોગ્ય લાગે તો જ તેને મંજૂરી આપો.
- જ્યારે પણ કોઇ એપ્લિકેશન અથવા વેબસાઇટ પરથી ઓર્ડર કરો છો ત્યારે પેમેન્ટ ડિટેલ્સ સેવ ન કરો. ઓર્ડર થયા બાદ માહિતી ડિલીટ કરી નાંખો અને બને ત્યાં સુધી કેશ ઓન ડિલીવરીનું ઓપ્શન સિલેક્ટ કરો.
- તમને જ્યારે પણ ઓટીપી કે કોઇ ઇન્ટરનેટ બેંકિંગને લગતી કોઇ માહિતી માંગતો ફોન આવે તો કોઇ પણ માહિતી શેયર ન કરો અને સાઇબર ક્રાઇમને જાણ કરો.