સુરતના પલસાણામાં કંઝાવલા કાંડ જેવી હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. આ ઘટનાના CCTV સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે કડોદરા ચાર રસ્તા ઉપરના CCTV સામે આવ્યા છે. CCTVમાં કાર નીચે લાશ ઢસડાતી હોય તેવુ સ્પષ્ટ થતુ નથી. તો બીજી બાજુ ઘટનાસ્થળથી 3 કિલોમીટર સુધી CCTV નહીં હોવાની શક્યતા છે.
અકસ્માત સ્થળ અને કડોદરા ચાર રસ્તા વચ્ચે લાશને કાર નીચેથી ઉંચકી લેવાયાની આશંકા છે. આરોપીએ લાશને કારમાં મુકી દીધી હોવાની પણ શક્યતા પ્રારંભિક તબક્કે વર્તાઈ રહી છે. બાદમાં 12 કિલોમીટર દૂર લાશ ફેંકી દીધાની આશંકા છે. જો કે આરોપીની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થશે. શરૂઆતમાં પોલીસે સમગ્ર મામલે હિટ એન્ડ રનની થિયરી આધારે તપાસ હાથ ધરી હતી. જોકે એક જાગૃત યુવકે પોલીસને વીડિયો આપીને મદદ કરતા પોલીસની પણ આંખો ફાટી ગઇ હતી.
સુરતના પલસાણામાં કંઝાવલા કાંડ જેવી જ ઘટના સામે આવી છે. સુરતમાં કઠોર કાળજાના માનવીને પણ હચમચાવી દે તેવી એક ઘટના છે. આમ તો આ ઘટના થોડા દિવસ પહેલાની છે, પરંતુ આ ઘટના રાત્રીના અંધારામાં બેફામ બનતા કારચાલકોના બેફામ ડ્રાઇવિંગની ચાડી ખાઈ રહી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પલસાણાના તાતિથૈયા ગામે થોડા દિવસ અગાઉ રાત્રીના સમયે કારચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારી હતી. ટક્કર બાદ બાઈક કાર નીચે ફસાઈ ગયું હતું.
કારચાલકે દંપતીને 12 કિમી સુધી ઢસડ્યા હતા. કાર નીચે કચડાઇ જતા બાઇકસવાર યુવકનું કરૂણ મોત નિપજ્યું છે તો મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. જે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોલીસને બેફામ બનેલા કારચાલકનો વીડિયો આપ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા જોતા કારના નંબરના આધારે કાર્યવાહી કરી છે અને કારચાલકને ઝડપી લીધો છે.
આમ અકસ્માતની આ ઘટના ક્યાંય પોલીસની ફાઈલોમાં દબાઈ જતી. પરંતુ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અન્ય કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરેલો બેફામ કારચાલકનો વીડિયો પોલીસને આપ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા પારખી અને કારના નંબરના આધારે કાર્યવાહી કરી હતી અને હાલ કારચાલક પોલીસ સકંજામાં છે.
Published On - 8:44 am, Wed, 25 January 23