Breaking News : ભરૂચ જેલમાં ફરી મોબાઈલ મળતા ખળભળાટ મચ્યો: લાપરવાહી કે મિલીભગત?
અમદાવાદની સ્પેશિયલ જેલ સર્ચ સ્ક્વોડ દ્વારા ભરૂચ જેલમાં પાડવામાં આવેલા આકસ્મિક દરોડા દરમિયાન બેરેક નજીકના શૌચાલયમાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવ્યો છે.

ભરૂચ : હાઈ સિક્યોરિટી ગણાતી ભરૂચ જિલ્લા જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુ મળી આવતા તંત્રમાં ભારે સળવળાટ શરૂ થયો છે. અમદાવાદની સ્પેશિયલ જેલ સર્ચ સ્ક્વોડ દ્વારા ભરૂચ જેલમાં પાડવામાં આવેલા આકસ્મિક દરોડા દરમિયાન બેરેક નજીકના શૌચાલયમાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ ઘટનાને પગલે જેલની કડક સુરક્ષા વ્યવસ્થા અને લોખંડી પહેરા પર મોટા સવાલો ઉભા થયા છે.
ફોન મળ્યો પણ સીમકાર્ડ ગાયબ
પ્રાપ્ત વિગતો અનુસાર જેલ મહાનિદેશકની સૂચનાના આધારે અમદાવાદથી 7 સભ્યોની એક્શન પ્લાન સર્ચ સ્ક્વોડ ભરૂચ જિલ્લા જેલ ખાતે પહોંચી હતી. ટીમે જેલના અલગ-અલગ સર્કલો અને બેરેકોની સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સર્કલ નંબર 02 માં આવેલી બેરેક C/1 ની બાજુના બીજા નંબરના ટોઇલેટમાં પોખરામાં છુપાવી રાખેલો એક કાળા રંગનો નોકિયા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોન ચાલુ હાલતમાં હતો અને તેમાં બેટરી હતી પરંતુ અંદર કોઈ સિમ કાર્ડ રાખવામાં આવ્યું ન હતું.
પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા
આ મામલે સર્ચ સ્ક્વોડના જેલર ગ્રુપ-૧ દેવસીભાઈ રણમલભાઈ કરંગીયાએ ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) હેઠળ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ મકવાણાને તપાસ સોંપવામાં આવી છે.
સુરક્ષા માટે કેટલો મોટો ખતરો?
જેલના બંધ સળિયા પાછળ કેદીઓ પાસે મોબાઈલ ફોન હોવો એ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે એક ગંભીર જોખમ માનવામાં આવે છે.
- ગુનાહિત નેટવર્કના સંચાલનનો ભય : જેલની અંદર બેસીને રીઢા ગુનેગારો બહાર પોતાના સાથીદારો સાથે સંપર્ક જાળવી રાખે છે અને ગુનાહિત કાવતરાંઓ સરળતાથી ઘડે છે.
- સાક્ષીઓને ધમકાવવાની શક્યતા : કોર્ટમાં ચાલી રહેલા કેસોના સાક્ષીઓ અથવા ફરિયાદીઓને જેલમાંથી જ ફોન કરીને ડરાવવામાં કે ધમકાવવામાં આવે તેવો ભય રહે છે
- જેલ સ્ટાફની મિલીભગત કે લાપરવાહી? : આટલી કડક તપાસ અને સીસીટીવી કેમેરા હોવા છતાં જેલના સંકુલમાં છેક બેરેક સુધી ફોન કેવી રીતે પહોંચ્યો? આમાં જેલના જ કોઈ કર્મચારી કે બહારના તત્વોની સંડોવણી કે જેલ સ્ટાફની લાપરવાહી તે પ્રશ્ન ઉઠી રહ્યા છે
મોબાઈલ ફોનની FSL તપાસ થશે
હાલમાં પોલીસે આ જપ્ત કરાયેલા મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરી છે. FSL ના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ ફોનમાંથી કયા-કયા નંબરો પર વાત થઈ હતી અને કયા કેદીઓ આનો ઉપયોગ કરતા હતા. આ ચકચારી ઘટનાએ ભરૂચ જિલ્લા જેલની આંતરિક સુરક્ષા પોલ ખોલી નાખી છે.
