Breaking News : છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુર જિલ્લામાં ફરી એક વાર ખેડૂતો માટે ડીઝલ મેળવવું મુશ્કેલ બન્યું છે. પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે ખેડૂતો રાતભર પેટ્રોલ પંપો પર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ખેતી કામ અટકી ન જાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કારબા લઈને એક પંપથી બીજા પંપ સુધી દોડધામ કરી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હવે ગંભીર બની રહી છે. અનેક પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કોઈ ટ્રેક્ટર લઈને તો કોઈ કારબા લઈને ડીઝલ મેળવવાની આશામાં કલાકો સુધી પંપ પર રાહ જોઈ રહ્યા છે. એક પંપ પર ડીઝલ ન મળે તો બીજા પંપ તરફ દોડધામ કરવાની ફરજ પડી રહી છે.
પૂરતું ડીઝલ હોવા છતાં ડીઝલ આપવામાં આવતું નથી: ખેડૂતો
બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી. ખેડૂતોના કહેવા મુજબ પંપ પર પૂરતું ડીઝલ હોવા છતાં તેમને ડીઝલ આપવામાં આવતું નથી. ખેડૂતોની હાજરીમાં જ ડીઝલ ભરેલી ગાડી પહોંચ્યા બાદ થોડા લોકોને ડીઝલ આપીને પંપ બંધ કરી દેવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ પંપ માલિકનું કહેવું છે કે ઓટોમેશન સિસ્ટમમાં ખામી સર્જાતા પંપ બંધ કરવો પડ્યો છે અને મેકેનિકને બોલાવવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતો આ દલીલ માનવાને તૈયાર નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે મોટી ગાડીઓને ડીઝલ આપવા માટે સામાન્ય ખેડૂતોને અટકાવવામાં આવી રહ્યા છે. અનેક ખેડૂતો રાતભર પંપ પર જ બેસી રહ્યા છે.
