શું સામાન્ય લોકો માટે UPI હવે મફત નહીં રહે! નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન
તાજેતરમાં UPI ચાર્જ અંગેની ચર્ચાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. તેમણે ખાતરી આપી છે કે સામાન્ય UPI વપરાશકર્તાઓ માટે સેવા મફત જ રહેશે.

જો તમે રોજિંદા ખરીદી, બિલ પેમેન્ટ અથવા અન્ય કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI નો ઉપયોગ કરો છો, તો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ‘UPI પર ચાર્જ લાગશે’ જેવી ચર્ચાઓએ તમને પણ ચિંતિત કર્યા હશે. જોકે, હવે આ તમામ અટકળો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે.
નાણામંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે સામાન્ય UPI વપરાશકર્તાઓ માટે સેવા હાલ પણ મફત જ રહેશે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) અંગે ચાલી રહેલી ચર્ચાનો સીધો કોઈ બોજ ગ્રાહકો પર નહીં પડે. જો ભવિષ્યમાં MDR લાગુ કરવામાં આવશે, તો તેનો અમલ વેપારીઓ માટે રહેશે, ગ્રાહકો માટે નહીં.
UPI અંગે શું કહ્યું નિર્મલા સીતારમણે?
કોંગ્રેસના નેતા જયરામ રમેશ દ્વારા કરવામાં આવેલા દાવાઓનો જવાબ આપતા નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે UPI અને NPCIની સર્વિસીસ સ્ટીયરિંગ કમિટીએ MDR અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. તેથી હાલ UPI વપરાશકર્તાઓએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે MDR સંબંધિત કોઈપણ નિર્ણય સંસદમાં કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026 પસાર થયા બાદ જ લેવામાં આવશે.
ગ્રાહકોને નહીં, વેપારીઓને થશે અસર
નાણામંત્રીના જણાવ્યા મુજબ, જો MDR લાગુ કરવામાં આવશે તો તેનો અમલ માત્ર વેપારીઓ માટે જ રહેશે. ગ્રાહકો પાસેથી કોઈ વધારાની ફી વસૂલવામાં આવશે નહીં.
તેમણે સમજાવ્યું કે MDR દ્વારા મળતી આવક બેંકો અને ફિનટેક કંપનીઓને ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને સાયબર સુરક્ષામાં વધુ રોકાણ કરવાની તક આપશે. તેના કારણે UPI સેવા વધુ સુરક્ષિત, ઝડપી અને વિશ્વસનીય બનશે, જેનો અંતિમ લાભ સામાન્ય વપરાશકર્તાઓને જ મળશે.
MDR અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય નથી
નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે UPI પર MDR લાગુ કરવાનો નિર્ણય હજુ લેવાયો નથી. NPCIની આગેવાની હેઠળની UPI અને સર્વિસીસ સ્ટીયરિંગ કમિટી સંસદમાં સંબંધિત બિલ પસાર થયા બાદ જ આ મુદ્દે વિચારણા કરશે.
પ્રસ્તાવિત બિલ મુજબ, કેન્દ્ર સરકારને નોટિફિકેશન દ્વારા નક્કી કરવાનો અધિકાર મળશે કે કયા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ અથવા ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લેવામાં આવે.
જયરામ રમેશના દાવાનો આપ્યો જવાબ
કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો હતો કે MDRનો બોજ અંતે સામાન્ય લોકો પર પડશે અને સરકાર UPIને નાણાકીય રીતે ટકાઉ બનાવવા માટે આવા ચાર્જ લાદવા માંગે છે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો.
તેમણે કહ્યું કે ગ્રાહકો પાસેથી કોઈ મર્ચન્ટ ફી વસૂલવાની નથી અને UPI વપરાશકર્તાઓએ ચિંતા કરવાની જરૂર નથી. સરકારનો હેતુ ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવવાનો છે, સામાન્ય લોકો પર વધારાનો આર્થિક બોજ મૂકવાનો નથી.
