‘ફૂડ પોઈઝનિંગ’માં પેટના દુખાવાથી રાહત કેવી રીતે મેળવવી? અપનાવો આ સરળ ઘરેલું નુસખા
ખરાબ કે વાસી ખોરાક ખાધા પછી જો પેટમાં અચાનક તીવ્ર દુખાવો, ઝાડા કે ઉલટી શરૂ થઈ જાય, તો સમજી લેવું કે તમે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છો. આજકાલ ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. હવે આ સ્થિતિમાં કઈ ભૂલો ન કરવી જોઈએ અને કયા સરળ ઘરેલું ઉપાયોથી તુરંત રાહત મેળવવી?

ખરાબ કે વાસી ખોરાક ખાવાથી અવારનવાર ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ જાય છે. આ સમયે ઘણા લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બની રહ્યા છે.
આમાં પેટમાં તીવ્ર ચૂંક, સ્નાયુઓ ખેંચાઈ જવા, ઉલટી, ઝાડા અને નબળાઈ અનુભવાવા લાગે છે. પેટમાં જ્યારે ઝેરી તત્વો પ્રવેશે છે, ત્યારે પાચનતંત્ર તેમને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે.
જો કે, આનાથી પેટમાં દુખાવો શરૂ થાય છે. આવા સમયે યોગ્ય સમયે તેની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે. બસ આ બધા વચ્ચે સવાલ એ જ છે કે, ફૂડ પોઈઝનિંગમાં થતા પેટના દુખાવાથી કેવી રીતે રાહત મેળવી શકાય?
- ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ અને હાઇડ્રેશન: ઉલટી કે ઝાડાથી થતું ડીહાઇડ્રેશન પેટની ચૂંકને વધુ ગંભીર બનાવી દે છે. આવા સમયે આનાથી બચવા માટે ORSનું દ્રાવણ પીતા રહો. માત્ર સાદું પાણી પીવાને બદલે ડબલ્યુએચઓ (WHO) દ્વારા પ્રમાણિત ORS અથવા નાળિયેર પાણી ઘૂંટડે-ઘૂંટડે પીઓ. પ્રવાહી પદાર્થોને એકસાથે વધુ માત્રામાં ન પીઓ. દર 10-15 મિનિટે થોડો-થોડો ઘૂંટડો લો, જેથી ઉલટી થવાની શક્યતા ન રહે.
- ડાયેટ મોડિફિકેશન (આહારમાં ફેરફાર): ફૂડ પોઈઝનિંગમાં હળવો આહાર લો. મગની દાળની પાતળી ખીચડી, કેળા, બાફેલા ભાત, દળિયા કે ટોસ્ટ લો. દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ, કેફીનયુક્ત પીણાં, તળેલું-તીખું, મસાલેદાર અને અતિશય મીઠા જ્યુસથી બચો. આ આંતરડામાં આથો (ફર્મેન્ટેશન) અને ચૂંક વધારે છે.
- શેક કરવાથી સ્નાયુઓને રાહત: પેટ પર હોટ વોટર બેગ અથવા હીટિંગ પેડથી 15-20 મિનિટ હળવો શેક કરો. આ તાપમાન આંતરડાના સ્મૂધ સ્નાયુઓને રિલેક્સ કરે છે, જેનાથી ચૂંકમાં તરત જ આરામ મળે છે.
- દવાઓને લઈને જરૂરી સાવચેતી: ડૉક્ટરની સલાહ વગર લોપેરામાઈડ (Loperamide) જેવી દવાઓ ન લો. આ આંતરડાની ગતિશીલતાને રોકી દે છે. આનાથી ટોક્સિન્સ-બેક્ટેરિયા બહાર નીકળી શકતા નથી અને ચેપ વધી શકે છે. વધારે દુખાવો કે ચૂંક આવે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરો અને ત્યારબાદ જ એન્ટીસ્પાસમોડિક (Antispasmodic) દવાનો ઉપયોગ કરો.
ક્યારે રહે છે ‘જોખમ’?
જો પેટમાં ખૂબ જ તીવ્ર દુખાવો હોય, સતત સખત તાવ (102°F થી વધુ) આવે, ઝાડામાં લોહી કે કફ (મ્યુકસ) દેખાય અથવા પેશાબ બંધ થવા લાગે, તો ઘરેલું ઉપચાર છોડીને તરત જ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અથવા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો.
