પેમેન્ટ અટક્યું અને પૈસા કપાઈ ગયા? ગભરાશો નહીં, સમયસર રિફંડ ન મળ્યું તો બેંક આપશે રોજ 100 રૂપિયા
આપણે જ્યારે UPI થી પેમેન્ટ કરીએ અને ખાતામાંથી પૈસા કપાઈ જાય પણ સામે વાળાને ન મળે, ત્યારે આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. એવામાં શું તમે જાણો છો કે, આ પૈસા કેટલા દિવસમાં પાછા આવે છે? શું તમને ખબર છે કે, જો મોડું થાય તો બેંક તમને રોજ 100 રૂપિયા વળતર પણ આપે છે?

ઘણીવાર એવું બને છે કે, તમે UPI થી પેમેન્ટ કરો છો ને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ સામે વાળી વ્યક્તિને પૈસા મળતા નથી. આવા સમયે મોટાભાગના લોકો ગભરાઈને ફરીથી પેમેન્ટ કરવા લાગે છે. હવે એવું કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે, તમારા પૈસા ક્યાં સુધી પાછા આવશે અને વિલંબ થવા પર બેંક તમને કેટલું વળતર આપે છે?
પૈસા કપાયા પછી પણ પેમેન્ટ ફેલ કેમ થાય છે?
એક UPI પેમેન્ટમાં ઘણી સિસ્ટમ (તમારી બેંક, પૈસા મેળવનારની બેંક, NPCI ની સિસ્ટમ અને UPI એપ) જોડાયેલ હોય છે. આમાંથી કોઈપણમાં ટેકનિકલ ખામી, જેમ કે નેટવર્કની સમસ્યા, બેંકનું સર્વર ડાઉન હોવું કે ટાઈમ આઉટ થઈ જવું, તેના કારણે પેમેન્ટ અટકી શકે છે.
સપ્ટેમ્બર 2026 માં જ લગભગ 2,407 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા હતા, જેની કુલ કિંમત 29.37 લાખ કરોડ રૂપિયા રહી હતી. આટલા મોટાપાયા પર આ પ્રકારની ગડબડ થવી સ્વાભાવિક છે.
ક્યાં સુધી પાછા આવશે પૈસા?
RBI ના નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિને પૈસા મોકલ્યા હોય અને પૈસા ન પહોંચે, તો બીજા જ દિવસે (T+1) સુધીમાં તમારા ખાતામાં આપમેળે પાછા આવી જવા જોઈએ. જો કોઈ દુકાનદારે કે મર્ચન્ટને પેમેન્ટ કર્યું હોય, તો 5 દિવસમાં (T+5) પૈસા પાછા આવવા જોઈએ. અહીં T નો અર્થ પેમેન્ટ કર્યાનો દિવસ છે.
વિલંબ થાય તો રોજ 100 રૂપિયા વળતર
જો બેંક નક્કી કરેલા સમયમાં પૈસા પાછા નથી કરતી, તો તેને મોડું થવાના દરેક દિવસ માટે 100 રૂપિયાનું વળતર આપવું પડશે. આના માટે તમારે અલગથી દાવો કરવાની જરૂર નથી હોતી, આ પૈસા આપમેળે તમારા ખાતામાં જમા થઈ જવા જોઈએ.
પૈસા ન આવે તો શું કરવું?
- UPI એપમાં ચેક કરો: Payment સફળ થયું છે, ફેલ થયું છે કે પેન્ડિંગ છે? તે જુઓ. ટ્રાન્ઝેક્શન નંબર સાચવીને રાખો.
- ફરિયાદ નોંધાવો: હવે પેમેન્ટ પર જઈને હેલ્પ (Help) અથવા ડિસ્પ્યુટ (Dispute) નો વિકલ્પ પસંદ કરો અને ફરિયાદ નંબર નોંધી લો.
- બેંકમાં સંપર્ક કરો: જો વાત ન બને તો તમારી બેંકમાં લેખિત ફરિયાદ કરો.
- NPCI પોર્ટલ: NPCI ની વેબસાઇટ પર પણ ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
- RBI ઓમ્બડ્સમેન: તેમ છતાં પણ ઉકેલ ન આવે, તો તમે RBI ના ફરિયાદ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો.
આ વિગતો સાચવીને રાખો
ટ્રાન્ઝેક્શન નંબર, તારીખ, રકમ, પૈસા કપાયાનો મેસેજ, જેને પૈસા મોકલ્યા હોય તેની માહિતી અને દરેક ફરિયાદનો રેફરન્સ નંબર સાચવીને રાખો. હવે આગળ ફરિયાદ કરવા અને વળતર મેળવવામાં આ વિગતો મદદરૂપ થશે.
