સાબુ, કબાટ, ફ્રિજ, વોશિંગ પાવડર, હેર કલર, તાળા, ફર્નિચર, મચ્છર સ્પ્રેથી લઈને ચંદ્રયાન સુધી આ યાદી ઘણી લાંબી છે, પરંતુ આ બધામાં એક નામ કોમન છે. આજે કદાચ એવું કોઈ ઘર નહીં હોય જ્યાં આ કંપનીની કોઈ પ્રોડક્ટ ના હોય. આ કંપનીની પ્રોડક્ટ્સ તમારા કિચન, બાથરૂમ, બેડરૂમ અને ડ્રોઈંગ રૂમમાં હશે. અમે ઘર ઘરમાં જોવા મળતી બ્રાન્ડ ગોદરેજ વિશે વાત કરી રહ્યા છીએ. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગોદરેજ કંપનીની કોઈ વસ્તુ ન હોય, ત્યારે આ લેખમાં ગોદરેજ કેવી રીતે શરૂ થઈ, તેના માલિક કોણ છે અને કંપનીની સફળતાની કહાની વિશે જાણીશું.
આજે ગોદરેજ જે વિશ્વના 90થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ વેચે છે, તેની શરૂઆત એક સામાન્ય વકીલ દ્વારા કરવામાં આવી હતી. કાયદાનો અભ્યાસ કર્યા પછી, અરદેશર ગોદરેજ બોમ્બે સોલિસિટર્સની એક પેઢીમાં જોડાયા. 1894માં કંપનીએ તેમને એક કેસના સંબંધમાં પૂર્વ આફ્રિકા મોકલ્યા. આ કેસ દરમિયાન જ તેમને સમજાયું કે વકીલાતનો વ્યવસાય તેમના માટે નથી. કારણ કે વકીલાતમાં ક્યારકને ક્યારેક તો અસત્ય બોલવું પડશે, જેના માટે તેઓ તૈયાર નહોતા. આ પછી તેમણે તે જ ક્ષણે વકીલાતને અલવિદા કહ્યું અને ભારત પરત ફર્યા.
દેશમાં પરત ફર્યા પછી તેમની પાસે કોઈ કામ નહોતું. તેમણે કેમિસ્ટની દુકાનમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી. આ સમય દરમિયાન સર્જિકલ સાધનોએ તેમનું ધ્યાન ખેંચ્યું અને સર્જિકલ સાધનો બનાવવાનું વિચાર્યું. આ માટે તેમણે પારસી સમુદાયના અગ્રણી વ્યક્તિ મેરવાનજી મુચરજી કામા પાસેથી રૂ. 3000 ઉછીના લઈને કામ શરૂ કર્યું હતું.
આ દરમિયાન અરદેશરને બ્રિટિશ કંપની માટે સર્જિકલ સાધનો બનાવવાની તક મળી. અરદેશર તેને બનાવતા હતા અને બ્રિટિશ કંપની તેને વેચતી હતી. એક સમયે તેના બ્રાન્ડિંગનો મુદ્દો સામે આવ્યો હતો. સર્જીકલ ઈન્સ્ટ્રુમેન્ટ પર કોની કંપનીનું નામ લખવામાં આવે અરદેશરની ભારતીય કંપનીની કે અંગ્રેજોની બ્રિટિશ કંપનીની જેને લઈને વિવાદ થયો. અરદેશર ઓજારો પર ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્ટેમ્પ લગાવવા માંગતા હતા, પરંતુ અંગ્રેજો તેને સ્વીકારવા તૈયાર ન હતા. દેશભક્તિ ખાતર અરદેશરે તે ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો.
એક દિવસ અખબાર વાંચતી વખતે તેમની નજર એક સમાચાર પર પડી જેમાં પોલીસ કમિશનરે બોમ્બેમાં ચોરીની વધતી જતી ઘટનાઓને કારણે લોકોને તેમના ઘર અને ઓફિસમાં વધુ સુરક્ષા રાખવાની સલાહ આપી હતી. ત્યારબાદ અરદેશર ગોદરેજને નવા બિઝનેસનો વિચાર આવ્યો. તેમણે તાળા બનાવવાનું કામ શરૂ કર્યું. એવું નહોતું કે તે સમયે તાળા વેચતી કંપનીઓ ન હતી. ગોદરેજે નવા અને મજબૂત તાળાઓ બનાવવાનું શરૂ કર્યું. ફરી એકવાર તેમણે લોન લીધી અને બોમ્બે ગેસ વર્કસની બાજુમાં 215 ચોરસ ફૂટના વેરહાઉસમાં પોતાનું કામ શરૂ કર્યું અને તેની સાથે 1897માં ગોદરેજ કંપનીનો જન્મ થયો. લોકો તેના તાળાને પસંદ કરવા લાગ્યા અને આ સાથે જ તેમનો ધંધો શરૂ થયો.
અરદેશર એક પારસી હતા, તેમનો જન્મ 1868માં બોમ્બેમાં થયો હતો. અરદેશર 6 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. જ્યારે અરદેશિર લગભગ ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા બુર્જોરજી ગુથરાજીએ પરિવારનું નામ બદલીને ગોદરેજ રાખ્યું અને આ રીતે કંપનીનું નામ પણ ‘ગોદરેજ’ રાખવામાં આવ્યું.
એકલા હાથે ધંધો સંભાળવો મુશ્કેલ હતો એટલે તેમણે પોતાના નાના ભાઈ પીરોજશાને પણ પોતાની સાથે સામેલ કર્યો. ગોદરેજ બ્રધર્સે તાળા બાદ ઘરેણાં અને પૈસા સુરક્ષિત રાખવા માટે લોકર અને તિજોરી બનાવવાનું શરૂ કર્યું. તેમણે એવી ઘણી તિજોરીઓ બનાવી જે લોખંડના પતરાને કાપ્યા વગર બનાવી હતી. ગોદરેજ તાળાઓની જેમ તિજોરીઓએ પણ લોકોના દિલ જીતી લીધા. સ્થિતિ એવી બની કે અંગ્રેજો પણ તેમની કિંમતી વસ્તુઓ રાખવા માટે ગોદરેજની તિજોરીનો ઉપયોગ કરતા હતા.
તાળાઓ અને તિજોરીમાં સફળતા હાંસલ કર્યા પછી ગોદરેજ બ્રધર્સે બિઝનેસ વિસ્તારવાનું શરૂ કર્યું. તેમણે પ્રથમ વનસ્પતિ તેલનો સાબુ બનાવ્યો. હકીકતમાં તે સમયે સાબુ બનાવવામાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. લોકોની ભાવનાઓને સમજીને ગોદરેજે એક સાબુ તૈયાર કર્યો જેમાં પ્રાણીની ચરબી ન હતી. આઝાદીની સાથે જ ગોદરેજનો બિઝનેસ પણ ઝડપથી વધવા લાગ્યો. ગોદરેજ નંબર 1, સિન્થોલ જેવા સાબુ બજારમાં ઉતાર્યા.
આઝાદી પછી વર્ષ 1951માં ગોદરેજને પહેલી લોકસભા ચૂંટણી માટે 17 લાખ મતપેટીઓ બનાવવાનો ઓર્ડર મળ્યો. વર્ષ 1994માં ગોદરેજે ગુડ નાઈટ બ્રાન્ડ બનાવતી કંપની ટ્રાન્સલેક્ટાને ખરીદી. આ પછી ગોદરેજે એક પછી એક પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1958માં ગોદરેજે દેશમાં પ્રથમ રેફ્રિજરેટરનું ઉત્પાદન કર્યું હતું. વર્ષ 1974માં ગોદરેજે દેશને લિક્વિડ હેર કલર પ્રોડક્ટ્સ આપી. 1990 ના દાયકામાં, કંપનીએ ગોદરેજ પ્રોપર્ટીઝની સ્થાપના કરીને ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
એક વર્ષ પછી કંપનીએ ગોદરેજ એગ્રોવેટની સ્થાપના કરીને કૃષિ વ્યવસાયમાં પ્રવેશ કર્યો. 1997માં ગોદરેજ એક જૂથ તરીકે તેના અસ્તિત્વના 100 વર્ષ પૂરા કર્યા. 2005માં ગોદરેજ નેચર બાસ્કેટની શરૂઆત સાથે ગોદરેજ રિટેલ માર્કેટમાં પ્રવેશી. 30થી વધુ પ્રીમિયમ આઉટલેટ્સ સાથે, કંપની હાલમાં સમગ્ર વિશ્વમાંથી પ્રીમિયમ માલસામાન માટે ભારતનું ટોચનું શોપિંગ સ્થળ છે.
કંપનીએ અંતરિક્ષમાં પણ પોતાની પકડ મજબૂત કરી છે. 2008માં ભારત ચંદ્રયાન-1 સાથે ચંદ્ર પર માનવરહિત મિશન તૈનાત કરનાર પાંચમો દેશ બન્યો. આ મિશનમાં ગોદરેજ કંપનીએ પણ સહયોગ આપ્યો હતો. કંપનીએ મિશનના પ્રક્ષેપણ વાહન અને ચંદ્ર ઓર્બિટર બનાવવામાં મદદ કરી. ભારતના પ્રથમ મંગળ મિશન પર ગોદરેજને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા સાથે કામ કરવાનું સન્માન મળ્યું છે. સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ ગોદરેજ એરોસ્પેસ એન્જિન સાથે કાર્યરત છે.
આજે કંપની સીસીટીવી, કન્સ્ટ્રક્શન અને ડેરી પ્રોડક્ટ્સનો બિઝનેસ પણ કરે છે. ગોદરેજ ગ્રુપની 5 લિસ્ટેડ કંપનીઓ છે. જેમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઇફસાયન્સનો સમાવેશ થાય છે. આજે કંપનીનો બિઝનેસ 90 દેશોમાં ફેલાયેલો છે. આજે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનું વેલ્યુએશન રૂપિયા 35,911 કરોડે પહોંચી ગયું છે.