વેદાંતાનો શેર 52 સપ્તાહની ઉપલી સપાટીએ પહોંચ્યો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાંતોની સલાહ
મૂડી ખર્ચની મદદથી કંપની તમામ વ્યવસાયોમાં વોલ્યુમ વધારવા માંગે છે અને ખર્ચ ઘટાડવા માંગે છે. ESG એટલે કે પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
વેદાંતા શેરની કિંમત(Vedanta Share price) છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહી છે. સાપ્તાહિક ધોરણે આ સતત પાંચમું અઠવાડિયું છે જ્યારે તેના શેરમાં તેજી જોવા મળી છે. મંગળવારે શેરે 52 સપ્તાહની નવી ઊંચી સપાટી વટાવી રૂ. 416 સુધી ઉછળ્યો હતો. જો તમે શેરના પ્રદર્શન પર નજર નાખો તો છેલ્લા એક સપ્તાહમાં તેણે લગભગ 13 ટકા, એક મહિનામાં 15 ટકા, ત્રણ મહિનામાં 18 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 18.16 ટકા વળતર આપ્યું છે અને છેલ્લા એક વર્ષમાં 80 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. હવે પ્રશ્ન એ છે કે જે રોકાણકારોએ તેમાં રોકાણ કર્યું છે તેઓએ શું કરવું જોઈએ. શું હજુ આ શેરમાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ?
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને સિસ્ટમેટિક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના વિશ્લેષકો કહે છે કે કંપની પાસે મોટી મૂડી ખર્ચની યોજના છે. વેદાંત લિમિટેડ આગામી કેટલાક વર્ષોમાં વાર્ષિક 1 થી 1.5 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.
કંપની વોલ્યુમ વધારવા પર ધ્યાન આપી રહી છે
મૂડી ખર્ચની મદદથી કંપની તમામ વ્યવસાયોમાં વોલ્યુમ વધારવા માંગે છે અને ખર્ચ ઘટાડવા માંગે છે. ESG એટલે કે પર્યાવરણીય, સામાજિક અને ગવર્નન્સને સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. કંપની તમામ બિઝનેસમાં વોલ્યુમ ગ્રોથ પર ફોકસ કરી રહી છે.
આગામી ત્રણ વર્ષ માટે કંપનીની યોજના શું છે?
કંપનીની ભાવિ યોજનાઓની વાત કરીએ તો વેદાંત આગામી ત્રણ વર્ષમાં એલ્યુમિનિયમ સ્મેલ્ટિંગને 36 ટકા વેગ આપવાની યોજના ધરાવે છે. ઝીંક/લીડ આઉટપુટમાં 36% વધારો થવાનો છે. ચાંદીની ક્ષમતામાં 24 ટકા, સ્ટીલની ક્ષમતામાં 133 ટકા, ફેરોક્રોમ ક્ષમતામાં 67 ટકા અને નિકલ સ્મેલ્ટિંગનો ઉમેરો કરવાનું પણ આયોજન છે. તે દર વર્ષે 700 ટન હશે.
તેલ માટે કંપનીની મોટી યોજના
કેયર્ન ઈન્ડિયાના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રચુર શાહે એક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે અમારી યોજના ખૂબ જ ટૂંક સમયમાં દરરોજ 5 લાખ બેરલ તેલ કાઢવાની છે. કેયર્નની યોજના વિશ્વની અન્ય કંપનીઓથી બરાબર વિપરીત છે. મોટાભાગની ઓઇલ કંપનીઓ ઉત્પાદનમાં નવું રોકાણ કરવા માંગતી નથી. તે માને છે કે આવનારા દિવસોમાં તે નફાકારક રહેશે નહીં. બીજી તરફ કેયર્ન એનર્જી તેની ક્ષમતાને મોટા પાયે વિકસાવવા માંગે છે.
રૂપિયા 459 નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો
મોતીલાલ ઓસવાલે ટાર્ગેટ પ્રાઇસ વેદાંત લિમિટેડ માટે 459 રૂપિયા નક્કી કરાયો છે. બ્રોકરેજનું કહેવું છે કે શેરે છેલ્લા એક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કિસ્સામાં નજીકના ગાળામાં વધુ જોખમ નથી.