Market Prediction: શેરબજાર કે સોના-ચાંદી? વર્ષ 2026 માં કોણ સારું રિટર્ન આપશે? અગ્રણી બ્રોકરેજ ફર્મે બોલ્ડ આગાહી કરી
આ વર્ષે શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યું હોવા છતાં રોકાણકારોને તેમની આશા મુજબનું રિટર્ન મળ્યું નથી. બીજીબાજુ સોના અને ચાંદીએ રિટર્નની દ્રષ્ટિએ દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા.

ચાલુ વર્ષના અંત સુધીમાં શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યું હોવા છતાં રોકાણકારોને તેમની આશા મુજબનું રિટર્ન મળ્યું નથી. ટેરિફ દબાણ, રૂપિયામાં નબળાઈ અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણને કારણે આખા વર્ષ દરમિયાન બજારમાં ભારે વધઘટ જોવા મળી.
બીજીબાજુ, સોના અને ચાંદીએ રિટર્નની દ્રષ્ટિએ દાયકાઓ જૂના રેકોર્ડ તોડી નાખ્યા. ફ્યુચર્સ માર્કેટમાં, સોનાએ લગભગ 71% અને ચાંદીએ 121% સુધીનું શાનદાર વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, રોકાણકારો સમક્ષ પ્રશ્ન એ છે કે, શું 2026 માં શેરબજાર સારું રહેશે કે સોનું અને ચાંદી?
કોટક સિક્યોરિટીઝ અનુસાર, સપ્ટેમ્બર 2024 ના શિખરથી બજારમાં લગભગ 17% નો ઘટાડો થયો હતો પરંતુ ત્યારબાદ ‘નિફ્ટી 50’ વર્ષ 2025 ના અંત સુધીમાં નવા ઓલ ટાઇમ હાઈ લેવલે પહોંચ્યો. લાર્જ-કેપ શેરોએ સારો દેખાવ કર્યો, જ્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરમાં ખાસ હલચલ જોવા મળી નહોતી. ઓટો, બેંકિંગ અને મેટલ ક્ષેત્રો મજબૂત રહ્યા, જ્યારે IT અને FMCG ક્ષેત્રો દબાણ હેઠળ રહ્યા.
- FPIs દ્વારા સતત વેચાણ છતાં, લોકલ રોકાણકારો (DIIs) એ બજારને ટેકો આપ્યો.
- IPO અને પ્રાઇમરી માર્કેટ એક્ટિવિટી મજબૂત રહી, જે બજારની મજબૂતાઈને દર્શાવે છે.
વર્ષ 2026 માટે નિફ્ટી અનુમાન
- નિફ્ટીની અર્નિંગ ગ્રોથ FY27માં 17.6% અને FY28માં 14.8% રહેવાની આગાહી કરવામાં આવી છે.
- બેસ કેસ મુજબ, ડિસેમ્બર 2026 સુધી નિફ્ટી 29,120 સુધી પહોંચે તેવી શક્યતા છે.
- બુલ કેસમાં નિફ્ટી 32,032 સુધી જઈ શકે છે.
- બિયર કેસમાં, ઘટાડાની સ્થિતિમાં નિફ્ટી 26,208 સુધી આવી શકે છે.
વર્ષ 2026ના હોટ સેક્ટર્સ: BFSI, ટેક્નોલોજી, હેલ્થકેર અને હોસ્પિટાલિટી.
સોનું અને ચાંદી ચમકતા રહેશે
- વર્ષ 2025માં વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં 55%થી વધુ વધારો થયો હતો અને તે 4,000 ડોલર પ્રતિ ઔંસને પાર પહોંચી ગઈ હતી.
- ભારતમાં વાયદા બજારમાં સોનું અત્યાર સુધીમાં લગભગ 71% સુધી મજબૂત બન્યું છે, જેમાં રૂપિયાની નબળાઈનો પણ સમાવેશ થાય છે.
- ચાંદીએ સોનાથી પણ વધુ સારો દેખાવ કર્યો છે અને વાયદા બજારમાં 121%ની જબરદસ્ત તેજી નોંધાવી છે.
- સપ્લાયની અછત, સેફ-હેવન માંગ અને સ્ટ્રક્ચરલ ફેક્ટર્સના કારણે કિંમતી ધાતુઓને મજબૂત આધાર મળ્યો.
કોટક સિક્યુરિટીઝના MD અને CEO શ્રીપાલ શાહે જણાવ્યું હતું કે, વૈશ્વિક પડકારો છતાં ભારત ગ્રોથનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે. તેમણે કહ્યું કે, “ઇક્વિટી અંગે અમારી દૃષ્ટિ સકારાત્મક છે. કોર્પોરેટ અર્નિંગ મજબૂત રહેવાની શક્યતા છે અને નીતિગત માહોલ પણ સહાયક છે. વર્ષ 2026માં સોનું સુરક્ષિત રોકાણ તરીકે પોતાની ચમક જાળવી રાખશે.”
તેમણે આગળ ઉમેર્યું કે, SEBIના સર્વે મુજબ 63% ભારતીય પરિવારો સિક્યુરિટીઝ માર્કેટ વિશે જાણે છે પરંતુ માત્ર 9.5% પરિવારો જ તેમાં રોકાણ કરે છે, જે ભારતના ઇક્વિટી બજારમાં વિશાળ સંભાવના દર્શાવે છે.
