રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI Monetary Policy) પોલિસી દરોને 4% પર યથાવત રાખ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈએ સંકટની આ સ્થિતીમાં રેપો રેટને 4% પર યથાવત રહ્યો છે,આ સમયે રિઝર્વ બેન્ક સામે ઘણા પડકારો છે. મોંઘવારી સતત વધી રહી છે, રશિયા-યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઈલ (Crude oil price)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાનો વિષય છે, વિકાસ દર દબાણ હેઠળ છે, યુએસ ફેડરલ રિઝર્વ મોંઘવારી (Inflation) પર અંકુશ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે, આ સિવાય આયાત બિલમાં વધારાને કારણે ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
RBI મોનેટરી પોલિસી કમિટી દર બે મહિને મળે છે. ફેબ્રુઆરીમાં મળેલી બેઠકમાં રિઝર્વ બેન્કે સતત 10મી વખત વ્યાજદરમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે.
કોરોના મહામારી સામે આવ્યા બાદ રિઝર્વ બેન્કે માર્ચ 2020 પછી રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. સતત 11 મી વખત રેપોમાં કોઇ ફેરફાર નથી,વ્યાજ દરમાં છેલ્લો ઘટાડો મે 2020માં કરવામાં આવ્યો હતો. ત્યારપછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં રેપો રેટ 4 ટકા છે જે 19 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. રિઝર્વ બેન્ક ફુગાવાનો લક્ષ્યાંક 4 ટકા રાખ્યો છે. જોકે, આમા 2 ટકાથી ઉપર અને નીચે થવાની સંભાવના છે.
રિઝર્વ બેન્ક માટે ફુગાવાની રેન્જ 2-6 ટકા સુધીની છે. જો ફુગાવાનો દર આનાથી નીચે કે ઉપર હોય તો રિઝર્વ બેન્કની ચિંતા વધી જાય છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દર 6 ટકાની ઉપલી મર્યાદાને વટાવી ગયો હતો. આવી સ્થિતિમાં રિઝર્વ બેન્ક પર દબાણ છે. ફેબ્રુઆરી મહિનામાં રિટેલ ફુગાવાનો દર 6.07 ટકા રહ્યો હતો, જે આઠ મહિનામાં સૌથી વધુ છે.
Published On - 10:22 am, Fri, 8 April 22