MONEY9: રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ ભલે બંધ થયો, પરંતુ તમારે જમવાનું તો મોંઘું જ પડશે!
રેસ્ટોરન્ટ્સ ચલાવવાનો ખર્ચ વધી જવાથી માલિકોએ અગાઉથી જ ભાવ વધારી દીધા હતા ત્યાં હવે સર્વિસ ચાર્જ સંબંધિત કડક નિયમો લાગુ થવાથી રેસ્ટોરન્ટનું મેનુ મોંઘું થવાની પૂરેપૂરી શક્યતા છે
MONEY9: હવે રેસ્ટોરન્ટ (RESTAURAN)માં જઈને ખાવું મોંઘું પડી શકે છે. ખર્ચો વધવાથી રેસ્ટોરન્ટ માલિકો પહેલેથી જ પરેશાન હતા અને નવા ભાવ લખેલા મેનુ પણ છપાવી લીધા હતા. પરંતુ હવે સર્વિસ ચાર્જનો નિયમ બદલાઈ જવાથી રેસ્ટોરન્ટ માલિકોએ ફરી ભાવ વધારવા પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. અગાઉ તો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલી લેતા રેસ્ટોરન્ટ માલિકો હવે આ ચાર્જ ગ્રાહકો પાસેથી નહીં વસૂલી શકે એટલે તેઓ ખાણી-પીણીનાં ભાવ વધારવા અંગે વિચારી રહ્યાં છે.
રેસ્ટોરન્ટ્સનો ખર્ચ 25% વધ્યો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય તેલના ભાવ વધવાથી તેમજ શાકભાજી મોંઘા થવાથી છેલ્લા છ મહિનામાં રેસ્ટોરન્ટનો ખર્ચ 25 ટકા સુધી વધ્યો છે. ખાવાનું તેલ લગભગ 55 ટકા મોંઘું થયું છે. ઈંધણ, શાકભાજી અને ચિકનમાં 10થી 49 ટકા મોંઘવારી આવી છે. રેસ્ટોરન્ટ્સે મોંઘવારીનો આ બોજ ગ્રાહકો પર નાખ્યો છે અને ભાવમાં 10થી 15 ટકા વધારો કર્યો છે. અમુક રેસ્ટોરન્ટ્સે તો 25 ટકા સુધી ભાવ વધાર્યા છે.
સર્વિસ ચાર્જનો વિવાદ ખર્ચ અને ભાવની આ માથાકૂટ હજુ તો પૂરી નથી થઈ ત્યાં રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી લેવામાં આવતાં સર્વિસ ચાર્જને લઈને વિવાદ સર્જાયો. કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ ઓથોરિટી એટલે કે CCPAએ તાજેતરમાં એક આદેશ આપ્યો હતો અને રેસ્ટોરન્ટના સર્વિસ ચાર્જને બિનજરૂરી ગણાવ્યો હતો. તેના આદેશ મુજબ રેસ્ટોરન્ટ ખાવાના બિલમાં આ ચાર્જ નહીં ઉમેરી શકે. CCPAએ તો સર્વિસ ચાર્જ વસૂલતી હોય તેવી રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે.
રેસ્ટોરન્ટ સંગઠનનો વિરોધ ભારતમાં રેસ્ટોરન્ટના અગ્રણી સંગઠન NRAIએ આ આદેશનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે સર્વિસ ચાર્જ વસૂલવો તે રેસ્ટોરન્ટનો અધિકાર છે. NRAIના ટ્રસ્ટી અનુરાગ કટરિયારે જણાવ્યું હતું કે આઈઆરસીટીસી જેવી અમુક સરકારી એજન્સી પણ સર્વિસ ચાર્જ વસૂલે છે. એર ટિકિટ, સિનેમા ટિકિટ કે હોટેલ બૂકિંગ કરાવો ત્યારે પણ અલગ-અલગ નામ હેઠળ સર્વિસ ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ સરકાર માત્ર રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર દબાણ કરે છે, જે યોગ્ય નથી.
ભાવ વધારવાની વિચારણા જોકે, આ તમામ હિલચાલની વચ્ચે કેટલાક મીડિયા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ગ્રાહક સંરક્ષણ ઓથોરિટીના આદેશ પછી રેસ્ટોરન્ટ્સે આ સર્વિસ ચાર્જ કેવી રીતે વસૂલવો તેનો કીમિયો શોધી લીધો છે. રેસ્ટોરન્ટ્સે હવે ખાવાના રેટમાં જ સર્વિસ ચાર્જ ઉમેરી દેવા અંગે વિચારણા હાથ ધરી છે. અત્યાર સુધી રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકોને જે બિલ આપવામાં આવતું હતું, તેમાં સરેરાશ પાંચથી અઢાર ટકા સર્વિસ ચાર્જ લગાડવામાં આવતો હતો. પરંતુ હવે આટલો સર્વિસ ચાર્જ ખાવાના ભાવમાં જ ઉમેરી દેવામાં આવશે.
ગ્રાહકોના ખિસ્સા થશે ખાલી એટલે એક વાત સ્પષ્ટ છે કે, રેસ્ટોરન્ટ માલિકો ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલે કે ના વસૂલે, પરંતુ ગ્રાહકોએ તો ખિસ્સા ખાલી કરવા જ પડશે.