MONEY9: શાકભાજી, મરી-મસાલાની મોંઘવારી વકરવાની શક્યતા
મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકાર અને રિઝર્વ બેન્કના પ્રયાસ નકામા પુરવાર થઈ શકે છે, કારણ કે શાકભાજી અને મસાલાની મોંઘવારી વધવાની શક્યતા છે. સરકારે ઓછા ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે, જેના લીધે ભાવ વધશે.
MONEY9: મોંઘવારી (INFLATION)ને અંકુશમાં લેવા માટે સરકાર અને રિઝર્વ બેન્ક મથામણ તો કરી રહ્યાં છે, પરંતુ આ મોરચે નવો પડકાર ઊભો થયો છે. હવે, શાકભાજી (VEGETABLES) અને મસાલાની મોંઘવારી માથાનો દુઃખાવો બની શકે છે અને તેનું કારણ છે ઓછું ઉત્પાદન. સરકારે જુલાઈના બીજા પખવાડિયામાં બાગાયતી પાકના ઉત્પાદનનો બીજો અંદાજ જાહેર કર્યો અને જણાવ્યું કે, મુખ્ય શાકભાજી તથા મોટા ભાગનાં મસાલાનું ઉત્પાદન ઓછું થશે. જો ઉત્પાદન ઘટશે, તો આ મોંઘવારી મોટો પડકાર બની શકે છે.
શાકભાજીના ઉત્પાદનનો અંદાજ
સૌથી પહેલાં વાત કરીએ શાકભાજીની. ભારતમાં બટાટા, ડુંગળી અને ટામેટાંનો મહત્તમ વપરાશ થાય છે એટલે આ શાકભાજીના ભાવમાં વૃદ્ધિ થાય તો તે મોટા સમાચાર બને છે. આ વર્ષે ડુંગળીનું તો રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે, પરંતુ બટાટાના ઉત્પાદનમાં લગભગ 26 લાખ ટન ઘટ પડવાનો અંદાજ છે જ્યારે ટામેટાંનું ઉત્પાદન પણ 8 લાખ ટન ઓછું થવાની શક્યતા છે.
શાકભાજીની જથ્થાબંધ મોંઘવારી
શાકભાજીના ઉત્પાદનનો જે ટ્રેન્ડ છે તેની અસર સરકારે જાહેર કરેલાં જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં સ્પષ્ટપણે જોવા મળે છે. ગયા વર્ષના જૂનમાં 100 રૂપિયામાં જેટલા બટાટા મળતાં હતાં, તેટલા બટાટા ખરીદવા માટે આ વર્ષે 140 રૂપિયા ચૂકવવા પડે છે. ગયા વર્ષના જૂનમાં 100 રૂપિયામાં જેટલી શાકભાજી મળતી હતી, તેટલી શાકભાજી ખરીદવા માટે આ વર્ષે લગભગ 157 રૂપિયા ચૂકવવા પડે છે. જોકે, ડુંગળીના મોરચે પરિસ્થિતિ અલગ છે. આ વર્ષે 68-69 રૂપિયામાં જેટલી ડુંગળી મળે છે તેટલી જ ડુંગળી ખરીદવા માટે ગયા વર્ષે 100 રૂપિયા થતા હતા, એટલે કે ડુંગળીમાં મોંઘવારી ઘટી છે.
મસાલાની મોંઘવારી
હવે વાત કરીએ મસાલાની. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલામાં લાલ મરી, જીરું, ધાણા, કાળા મરી, આદુનો સમાવેશ થાય છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે તેમનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. જો ઉત્પાદન ઓછું થશે તો પુરવઠા પર અસર પડશે અને પરિણામે ભાવ ઊંચકાશે. છેલ્લાં 3 મહિનાની જ વાત કરીએ તો, મસાલાની રિટેલ મોંઘવારીનો આંકડો કૂદકો મારીને 10 ટકાની આસપાસ પહોંચી ગયો છે. હવે જો મસાલાના ભાવ વધશે તો તેની રિટેલ મોંઘવારી ખાસ્સી વધવાની શક્યતા છે.
ઉત્પાદન અને ભાવ વચ્ચે સંબંધ
ઉત્પાદનની વાત કરીએ તો, આ વર્ષે બટાટા અને ડુંગળી સિવાયની મોટા ભાગની શાકભાજીનું સારું ઉત્પાદન થયું છે, જેથી મોંઘવારીને બેફામ થવાનો મોકો નહીં મળે. ફળફળાદિમાં કેળાં, કેરી, સફરજન, દ્રાક્ષ, પપૈયા, જામફળ જેવા ફળનું ઉત્પાદન આ વર્ષે વધવાનો અંદાજ છે. ફળનાં કુલ ઉત્પાદનમાં ગયા વર્ષ કરતાં 45 લાખ ટનથી વધુ વૃદ્ધિ થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો ફળનું ઉત્પાદન વધશે, તો તેની મોંઘવારીને અંકુશમાં રાખવામાં મદદ મળશે.