દેશભરની તમામ જાહેર ક્ષેત્રની બેંકોમાં (Public sector banks) ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ભારત સરકાર (Government of India) ટૂંક સમયમાં વિવિધ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં સ્વતંત્ર નિર્દેશકોની નિમણૂક માટેની સૂચિને મંજૂરી આપી શકે છે.
કામકાજના સંચાલન (કોર્પોરેટ ગવર્નન્સ – Corporate Governance) સંબંધિત નિયમનકારી ધોરણોને પૂર્ણ કરવા માટે સરકાર આ નિમણૂંકો કરવા જઈ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોમાં ડાયરેક્ટર સ્તરની (director level) જગ્યાઓ ખાલી છે. આ કારણે નિયમનકારી અનુપાલન સુનિશ્ચિત કરવામાં આવતું નથી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક કરવા પાત્ર અધિકારીઓની યાદી વડાપ્રધાન કાર્યાલય (PMO)ને મોકલવામાં આવી છે, જે ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિ તમામ ઉચ્ચ સ્તરીય હોદ્દાઓ પર નિમણૂકો કરે છે. જેમાં જાહેર ક્ષેત્રની બેંકોના સ્વતંત્ર નિર્દેશકોનો સમાવેશ થાય છે.
કંપની એક્ટ 2013 હેઠળ દરેક લિસ્ટેડ જાહેર કંપનીમાં કુલ ડિરેક્ટર્સમાંથી એક તૃતીયાંશ સ્વતંત્ર ડિરેક્ટર્સ હોવા જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી લિસ્ટેડ જાહેર ક્ષેત્રની બેંકો અને કેટલીક નાણાકીય સંસ્થાઓમાં નિર્દેશકોની સંખ્યા નિર્ધારિત જરૂરિયાત કરતા ઓછી છે.
આ રીતે આ બેંકો અને નાણાકીય સંસ્થાઓ કંપની અધિનિયમ સાથે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના લિસ્ટિંગ ધોરણોને પૂર્ણ કરતી નથી. ઉદાહરણ તરીકે ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ઈન્ડિયન બેંક અને યુકો બેંક સ્વતંત્ર ડિરેક્ટર્સની સંખ્યાનું પાલન કરી રહી નથી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને બેંક ઓફ બરોડા (BOB) સિવાય મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકોમાં ચેરમેનની જગ્યા ખાલી છે. બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા ડિરેક્ટરની જગ્યા પણ છેલ્લા સાત વર્ષથી ખાલી છે.
દેશમાં 12 જાહેર ક્ષેત્રની બેંકો, ચાર જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને એક જીવન વીમા કંપની છે. આ સિવાય કેટલીક ખાસ વીમા કંપનીઓ છે, જેમ કે એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા પણ સામેલ છે.