Breaking News: મોંઘવારીએ માજા મુકી! એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવાનો દર 42 મહિનાના રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યો
મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની અસર હવે ભારતના અર્થતંત્ર પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. એપ્રિલ મહિનામાં દેશમાં જથ્થાબંધ મોંઘવારી (Wholesale Price Index – WPI) રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી 8.3 ટકા નોંધાઈ છે, જે છેલ્લા 42 મહિનામાં સૌથી વધુ સ્તર ગણાય છે.

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધની અસર હવે ભારતના અર્થતંત્ર પર સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. એપ્રિલ મહિનામાં દેશમાં જથ્થાબંધ મોંઘવારી (Wholesale Price Index – WPI) રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી 8.3 ટકા નોંધાઈ છે, જે છેલ્લા 42 મહિનામાં સૌથી વધુ સ્તર ગણાય છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 3.88 ટકા હતી, જેની સરખામણીએ એપ્રિલમાં તેમાં ઝડપથી મોટો ઉછાળો નોંધાયો છે.
ઈંધણ અને ક્રૂડ તેલના ભાવમાં ભારે વધારો
આ વધારાનો મુખ્ય કારણ ઈંધણ અને ક્રૂડ તેલના ભાવમાં થયેલો ભારે વધારો છે. ખાસ કરીને ખનિજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ધાતુઓ અને ઉત્પાદિત ઉત્પાદનોના ભાવમાં નોંધપાત્ર વધારો થતા સમગ્ર સપ્લાય ચેઇન પર અસર પડી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉછાળો આવતાં સ્થાનિક ઉત્પાદકોના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે, જેના કારણે જથ્થાબંધ બજારમાં મોંઘવારી વધતી જોવા મળી રહી છે.
ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં મોટો ફેરફાર
આ પરિસ્થિતિ એવા સમયે સર્જાઈ છે જ્યારે સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ રસોઈ ગેસ (LPG)ના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમ છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેનો સીધો પ્રભાવ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર પર પડી રહ્યો છે.
એપ્રિલમાં છૂટક મોંઘવારી (Retail Inflation) પણ વધીને 3.48 ટકા થઈ
સરકારી આંકડા મુજબ, એપ્રિલમાં છૂટક મોંઘવારી (Retail Inflation) પણ વધીને 3.48 ટકા થઈ છે, જે માર્ચમાં 3.40 ટકા હતી. આથી સ્પષ્ટ થાય છે કે માત્ર જથ્થાબંધ નહીં પરંતુ રિટેલ બજારમાં પણ મોંઘવારીનો દબાણ વધી રહ્યો છે. ઓક્ટોબર 2025 પછીથી રિટેલ મોંઘવારીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે—નવેમ્બરમાં 0.71 ટકા, ડિસેમ્બરમાં 1.33 ટકા, જાન્યુઆરીમાં 2.74 ટકા અને ફેબ્રુઆરીમાં 3.21 ટકા સુધી તેનો ગ્રાફ પહોંચ્યો હતો.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વૈશ્વિક ભૂરાજકીય તણાવ, ખાસ કરીને મધ્યપૂર્વ સંકટ અને ઊર્જા બજારમાં અનિશ્ચિતતા, આવનારા મહિનાઓમાં પણ મોંઘવારીને પ્રભાવિત કરી શકે છે. આ સ્થિતિમાં ઉદ્યોગોના ખર્ચમાં વધારો થવાની સાથે સામાન્ય જનજીવન પર પણ મોંઘવારીનો ભાર વધુ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- PM Modi : LPG અને તેલને લઈને ટૂંક સમયમાં આવી શકે છે ગુડ ન્યૂઝ, ભારત-UAE વચ્ચે થવાની છે મોટી ડીલ?
