જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ બરોડા (BOB) એ ચાલુ નાણાકીય વર્ષના જૂનમાં પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં રૂ 1,208.63 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. બેડ લોન માટે ઓછી જોગવાઈને કારણે બેંકનો નફો સારો રહ્યો છે. આ કારણે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં બેંકને 864 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી.
સ્ટોક એક્સચેન્જને અપાયેલી માહિતી અનુસાર બેન્કે જણાવ્યું હતું કે ક્વાર્ટર દરમિયાન તેની કુલ આવક નજીવી ઘટીને રૂ 20,022.42 કરોડ થઈ છે જે અગાઉના ક્વાર્ટરમાં રૂ 20,312.44 કરોડ હતી. ક્વાર્ટર દરમિયાન કુલ લોન પર બેન્કની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPAs) ઘટીને 8.86 ટકા થઈ છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં તે 9.39 ટકા હતી. જોકે બેન્કનો નેટ NPA રેશિયો 2.83 ટકાથી વધીને 3.03 ટકા થયો છે.
બેંકની 4112 કરોડની જોગવાઈ
ક્વાર્ટર દરમિયાન બેંકની કુલ જોગવાઈ અને અન્ય આકસ્મિક ખર્ચ ઘટીને 4,111.99 કરોડ થયા છે. જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 5,628 કરોડ રૂપિયા હતું. સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં રિઝર્વ બેંકે બેંક ઓફ બરોડા પર 41.75 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.
જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક
બેંક ઓફ બરોડા હાલમાં જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે. બેંક મર્જર હેઠળ વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી હતી. 1 જુલાઈથી તે બંને બેન્કોની ચેકબુક પણ બંધ થઈ ગઈ છે. બેન્ક ઓફ બરોડાના શેર આ સપ્તાહે રૂ 83.40 પર બંધ થયા છે.
સરકાર પાસે 64 ટકા હિસ્સો
આ સ્ટોકનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર 99.85 રૂપિયા અને સૌથી નીચું સ્તર 39.50 રૂપિયા છે. બેંકનું માર્કેટ કેપ 43,129 કરોડ રૂપિયા છે. SBI સૌથી મોટી બેંક છે અને તેનું માર્કેટ કેપ 1.68 લાખ કરોડ છે. ત્રીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે જેની માર્કેટ કેપ 24600 કરોડની આસપાસ છે. બેન્ક ઓફ બરોડાના શેરમાં એક સપ્તાહમાં 3.86 ટકાનો વધારો થયો છે. તેણે ત્રણ મહિનામાં 18 ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં 36 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. આ બેંકમાં સરકારનો હિસ્સો 63.97 ટકા છે.