AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રામાં શા માટે સર્વ પ્રથમ થાય છે યમુનોત્રી ધામના દર્શન ? જાણો અત્યંત રસપ્રદ કથા

ચારધામની યાત્રાનો પ્રારંભ યમુનોત્રી (yamunotri) ધામના દર્શનથી જ થાય છે. એક માન્યતા અનુસાર જો તમે યમુનોત્રીના દર્શન પહેલાં ગંગોત્રી, કેદારનાથ કે બદરીનાથના દર્શન કરી લો છો તો તમને તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી.

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રામાં શા માટે સર્વ પ્રથમ થાય છે યમુનોત્રી ધામના દર્શન ? જાણો અત્યંત રસપ્રદ કથા
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 23, 2023 | 6:31 AM
Share

અખાત્રીજના અવસરથી ઉત્તરાખંડની ચાર ધામ યાત્રાનો પ્રારંભ થતો હોય છે. ઉત્તરાખંડના આ ચાર ધામ એ નાના ચાર ધામ તરીકે ઓળખાય છે. અખાત્રીજે યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખૂલે છે. ત્યારબાદ કેદારનાથ ધામના અને અંતમાં બદરીનાથ ધામના કપાટ ખૂલતા હોય છે. જે અંતર્ગત 22 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખૂલી ચૂક્યા છે. આ બંન્ને ધામના કપાટ ભલે એક જ દિવસે ખૂલે છે. પણ, તેમાંથી સૌથી પહેલાં યમુનોત્રી ધામના દર્શન કરવાનો મહિમા છે. પણ શા માટે ? તેની સાથે એક રોચક કથા અને માન્યતાઓ જોડાયેલી છે. આવો, આજે તેના વિશે જ વાત કરીએ.

સર્વ પ્રથમ યમુનોત્રીના દર્શન કેમ ?

ચારધામની યાત્રાનો પ્રારંભ યમુનોત્રી ધામના દર્શનથી જ થાય છે. એક માન્યતા અનુસાર જો તમે યમુનોત્રીના દર્શન પહેલાં ગંગોત્રી, કેદારનાથ કે બદરીનાથના દર્શન કરી લો છો તો તમને તેના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી. કારણ કે, વાસ્તવમાં આ યાત્રા એ વ્યક્તિને ચાર લક્ષ્ય તરફ ગતિ કરાવી અંતે પરમાત્મામાં એકરૂપ કરે છે. અને એટલે જ આ યાત્રા ખાસ ક્રમમાં થાય એ જરૂરી મનાય છે.

પ્રથમ દર્શન યમુનોત્રી ધામ

પ્રચલિત માન્યતા અનુસાર ‘યમુના’ નદી એ તો ‘ભક્તિ’ સ્વરૂપા છે ! એટલે કે, ભક્તો સર્વ પ્રથમ યમુનોત્રીના દર્શન કરી ભક્તિ માર્ગે પ્રયાણ કરે છે. તેમનામાં ભક્તિ ભાવ જાગૃત થાય છે અને પરમાત્મા વિશે જાણવા તે વધુ ઉત્સુક બને છે. પ્રભુ તરફ પ્રયાણનો આ પ્રથમ પડાવ મનાય છે.

બીજા દર્શન ગંગોત્રી ધામ

યમુનોત્રીના દર્શન બાદ ગંગોત્રીના દર્શનનો મહિમા છે. આ ધામમાં ભક્તો ગંગા નદીનું સાનિધ્ય મેળવે છે. ઉત્તરાખંડની માન્યતા અનુસાર ગંગા ભક્તોને ‘જ્ઞાન’ની પ્રાપ્તિ કરાવે છે. એટલે કે ભક્તિમાં હવે જ્ઞાન પણ ભળે છે. અને ભક્તો સમજ સાથે પ્રભુ પ્રાપ્તિ માટે આતુર બને છે.

ત્રીજા દર્શન કેદારનાથ ધામ

ગંગોત્રી બાદ ત્રીજા દર્શન કેદારનાથ ધામના કરવામાં આવે છે. કેદારનાથ ધામ ભક્તોને વૈરાગ્ય તરફ વાળે છે. આ વિકટ યાત્રા છે અને પ્રભુને પામવા માટે સંસાર ત્યાગ જરૂરી છે ! કંઈક એવી જ ભાવના સાથે ભક્તો વિશ્વના સૌથી ઊંચા જ્યોતિર્લિંગના દર્શનની યાત્રા આરંભે છે.

ચોથા દર્શન બદરીનાથ ધામ

નાના ચાર ધામમાં અંતિમ દર્શન બદરીનાથ ધામના થાય છે. વાસ્તવમાં બદરીનાથ ધામ એ મુક્તિપ્રદા તરીકે પણ ઓળખાય છે. મુક્તિપ્રદા એટલે કે મુક્તિની, મોક્ષની પ્રાપ્તિ કરાવનારું ધામ. જીવ માત્રનું અંતિમ લક્ષ્ય મોક્ષ જ છે. જેના બાદ જીવ સ્વયં પરમતત્વમાં એકરૂપ થઈ જાય છે.

વ્યક્તિના અંતિમ ગંતવ્યનું પ્રથમ પગરણ યમુનોત્રીથી જ શરૂ થાય છે. અને એ જ કારણ છે કે ચાર ધામમાં સર્વ પ્રથમ યમુનોત્રીના જ દર્શન થાય છે. અલબત્, આ માન્યતા સાથે એક રોચક દંતકથા પણ જોડાયેલી છે.

રોચક દંતકથા

યમરાજ અને શનિદેવ બંન્ને યમુનાજીના ભાઈ છે. તો, પ્રચલિત કથા અનુસાર સૂર્યદેવના શિષ્ય હોઈ હનુમાનજી પણ યમુનાજીને તેમની બહેન માને છે. કહે છે કે એકવાર ત્રણેવ ભાઈ યમુનાજીને મળવા યમુનોત્રી આવ્યા. ત્યારે યમુનાજીએ તેમને પૂછ્યું કે તેઓ તેમના માટે શું લાવ્યા છે ? દંતકથા એવી છે કે તે સમયે ત્રણેવ ભાઈઓએ જ બહેન યમુનાને ચાર ધામમાં સર્વ પ્રથમ પૂજાવાનું અને અખાત્રીજે સર્વ પ્રથમ યમુનોત્રીના જ કપાટ ખુલવાનું વરદાન આપ્યું. માન્યતા અનુસાર આ વરદાનને લીધે જ સર્વ પ્રથમ યમુનોત્રી ધામના દર્શન કરવાનો મહિમા છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">