હિન્દુ ધર્મમાં ચાર ધામના દર્શનની યાત્રાનો સવિશેષ મહિમા છે. પણ, જો વ્યક્તિ આ મોટા ચાર ધામના દર્શન ન કરી શકે, તો પણ જીવનમાં એકવાર તે ઉત્તરાખંડના ચાર ધામના દર્શનની મનશા તો રાખતો જ હોય છે. આ ચાર ધામ એટલે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ચાર ધામના દર્શનનો લાભ લઈ રહ્યા છે. પણ, શું તમે જાણો છો કે તપ્તકુંડમાં સ્નાન વિના મહાધામ એવા બદરીધામની યાત્રા અપૂર્ણ મનાય છે ?
ઉત્તરાખંડના બદરિકાશ્રમમાં શ્રીહરિનું દિવ્ય રૂપ પ્રસ્થાપિત છે. પ્રભુનું આ સ્વરૂપ બદરીનાથ તેમજ બદરીવિશાલ તરીકે પૂજાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદરીનાથના આશિષ લેવા બદરિકાશ્રમ પહોંચતા હોય છે. પણ, અહીં બદરીનાથના દર્શન પહેલાં તપ્તકુંડમાં સ્નાન કરવાની પરંપરા છે. કહે છે કે જ્યાં સુધી તમે આ તપ્તકુંડમાં સ્નાન નથી કરી લેતા, ત્યાં સુધી આપને બદરીનાથના દર્શનના પૂર્ણ ફળની પ્રાપ્તિ નથી થતી.
જલ સ્નાનથી મનુષ્યના તનની શુદ્ધિ થાય છે. પરંતુ, જીવનમાં આ તન શુદ્ધિ કરતાં પણ વધારે મહત્વ છે મન શુદ્ધિનું તેમજ કર્મશુદ્ધિનું. અને આ તમામ શુદ્ધિ પરિપૂર્ણ થાય છે બદરિકાશ્રમના તપ્તકુંડમાં. આ તપ્તકુંડ અગ્નિતીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે. જેમાં સતત ગરમ પાણી પ્રવાહિત થતું જ રહે છે. અગ્નિતીર્થ તરીકે પ્રસિદ્ધ આ તપ્તકુંડમાં સ્નાન બાદ જ ભક્તો બદરીવિશાલના દર્શન માટે આગળ પ્રસ્થાન કરે છે. સ્કંદ પુરાણમાં આ તીર્થની મહત્તા વર્ણવતા નીચે મુજબ ઉલ્લેખ મળે છે.
અર્થાત્, હજારો ચાંદ્રાયણ વ્રતોથી તેમજ કરોડો કૃચ્છ્ વ્રતોથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તે ફળ તો અગ્નિતીર્થમાં સ્નાન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે. લોકવાયકા અનુસાર બદરીધામના અગ્નિતીર્થ એટલે કે તપ્તકુંડમાં સ્વયં અગ્નિદેવનો નિવાસ છે. અને સ્કન્દ પુરાણમાં આ તીર્થના પ્રાગટ્ય સંબંધી રોચક કથાનું વર્ણન મળે છે.
સ્કન્દ પુરાણમાં ઉલ્લેખ છે તે અનુસાર મહર્ષિ ભૃગુની પત્ની પુલોમા અત્યંત સ્વરૂપવાન હતી. તેના પર કુમારાવસ્થાથી જ એક અસુર આસક્ત હતો. પહેલાં એ અસુર સાથે જ પુલોમાના લગ્નની વાત પણ ચાલી હતી. પણ, દેવી પુલોમાના લગ્ન ઋષિ ભૃગુ સાથે થયા. એકવાર ઋષિ ભૃગુની ગેરહાજરીમાં અસુર આશ્રમમાં પ્રવેશ્યો. તે સમયે આશ્રમમાં માત્ર અગ્નિહોત્રનો અગ્નિ જ પ્રજ્વલિત હતો. રાક્ષસે અગ્નિને પૂછ્યું, કે “શું આ એ જ સ્ત્રી છે ને, કે જેની સાથે મારી સગાઈની વાત થઈ હતી ?”
સરળ સ્વભાવના અગ્નિએ હા પાડી દીધી. અને તે અસુર અગ્નિને જ સાક્ષી માની ગર્ભવતી પુલોમાને ઉપાડી ગયો. અલબત્, રસ્તામાં જ તેને પ્રસવ થઈ ગયો. અને મહર્ષિ ચ્યવનનો જન્મ થયો. મહર્ષિ ચ્યવનનું તેજ એટલું હતું કે તેમના બ્રહ્મતેજથી અસુર તત્કાલ જ ભસ્મ થઈ ગયો. પણ, બીજી તરફ ઋષિ ભૃગુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ક્રોધમાં અગ્નિને શ્રાપ આપી દીધો. “હે અગ્નિ ! તું એક અસુરના ખરાબ કૃત્યનો સાક્ષી બન્યો ! તું સારા-ખોટાનું ભાન પણ ભૂલી ગયો ! જા, હું તને શ્રાપ આપું છું કે તું સર્વભક્ષી થઈ જઈશ.”
સ્કન્દ પુરાણમાં ઉલ્લેખ છે તે મુજબ ઋષિ ભૃગુના શ્રાપથી ભયભીત થયેલા અગ્નિદેવને વેદવ્યાસજીએ બદરિકાશ્રમમાં જવા કહ્યું. અગ્નિદેવે બદરિકાશ્રમમાં અખંડ તપ કર્યું. આખરે, શ્રીહરિએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે અગ્નિદેવે શ્રાપમુક્તિની વાત કરી. તે સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે, “હે અગ્નિ ! તારો સર્વભક્ષી હોવાનો શ્રાપ તો આ ક્ષેત્રના દર્શન માત્રથી જ દૂર થઈ ગયો છે. હવે તું અહીં જ નિવાસ કર અને અહીં આવનારા લોકોને પાપ મુક્ત કર.”
જ્યાં સ્વયં અગ્નિદેવને શ્રાપમાંથી મુક્તિ મળી તે સ્થાન એટલે જ તપ્તકુંડ. શ્રદ્ધાળુઓ પાપકર્મથી મુક્તિની કામના સાથે જ તપ્તકુંડમાં સ્નાન કરે છે. અને આ તન-મનની શુદ્ધિ બાદ જ બદરીવિશાલના દર્શને આગળ વધે છે. માન્યતા અનુસાર જ્યાં સુધી આપ તન-મનથી શુદ્ધ નથી થતા ત્યાં સુધી આપ બદરીનાથના આશિષના અધિકારી નથી બનતા. અને એ જ કારણ છે કે તપ્તકુંડમાં સ્નાન વિના બદરીધામની યાત્રા અપૂર્ણ મનાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)