Bhakti: મા ખોડલનો નાગકુળ સાથે શું છે નાતો ? ખોડિયાર જયંતીએ જાણો માના પ્રાગટ્યની કથા
મામડિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા. તેમણે મામડિયાને વરદાન માંગવા કહ્યું. મામડિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી. પરંતુ, મામડિયાના નસીબમાં સંતાનનું સુખ જ ન હતું. ત્યારે મહેશ્વરને નાગ દેવતાનું સ્મરણ થઈ આવ્યું.
મહા સુદ અષ્ટમીનો (maha sud ashtami) રૂડો અવસર એટલે મા ખોડિયારનો (khodiyar) પ્રાગટ્ય દિવસ. કહે છે કે તે મહા સુદ આઠમ જ હતી કે જ્યારે મા ખોડિયારે ધરતી પર અવતાર ધારણ કરી અનેકોનો ઉદ્ધાર કર્યો હતો. પણ, શું તમે એ જાણો છો કે મા ખોડિયારનો સંબંધ તો નાગકુળ સાથે જોડાયેલો છે ? આવો, આજે જાણીએ કે મા ખોડલ કોનો અવતાર હતા. અને કઈ ઘટના ધરતી પર તેમના પ્રાગટ્યનું નિમિત્ત બની હતી.
ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા નામે એક નાનકડું ગામ આવેલું છે. અને આ ગામ જ આઈશ્રી ખોડિયારનું પ્રગટધામ મનાય છે. કહે છે કે લગભગ 1200 વર્ષ પૂર્વે આ જ ભૂમિ પર મા ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું. અહીં મા ખોડિયારનું સુંદર મંદિર શોભાયમાન છે. જે આઈશ્રી આવડ ખોડલધામના નામે પ્રસિદ્ધ છે. અહીં મા ખોડલ તેમની છ બહેન અને એક ભાઈ સાથે બિરાજમાન થયા છે. અને કહે છે કે આ ધરતી પર એકસાથે જ આ આઠેયનું પ્રાગટ્ય થયું હતું.
પ્રચલિત કથા અનુસાર લગભગ બારસો વર્ષ પૂર્વે રોહિશાળામાં મામડિયા નામે એક ચારણ રહેતા. તેમના પત્નીનું નામ દેવળબા હતું. પરગજુ સ્વભાવના આ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. એમાંય એક એવી ઘટના બની કે જેને લીધે મામડિયા ચારણને હાડોહાડ લાગી આવ્યું. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા. રાજા શિલાદિત્ય અને મામડિયા વચ્ચે ગાઢ મિત્રાચારી હતી. બંને એકબીજાને ન મળે ત્યાં સુધી તેમને ગોઠતું જ નહીં. પણ, કેટલાંક ઈર્ષાળુઓએ રાજાની કાનભંભેરણી કરી કે મામડિયો નિ:સંતાન હોઈ તેનું મુખ જોવું ઠીક નથી. કહે છે કે બીજા જ દિવસે રાજાએ મામડિયાને કહી દીધું કે, “મામડિયા, આપણી મિત્રતા હવે પૂરી થાય છે. તું હવે આ રાજમાં પાછો ન આવતો.”
મામડિયાએ જ્યારે રાજાની વાત પાછળનું સત્ય જાણ્યું ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું. અન્નજળનો ત્યાગ કરી તે મહાદેવની આરાધના કરવા લાગ્યા. આખરે, મામડિયાની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ માતા પાર્વતી સાથે પ્રગટ થયા. તેમણે મામડિયાને વરદાન માંગવા કહ્યું. મામડિયાએ તેમની સંતાન માટેની કામના અભિવ્યક્ત કરી. જે સાંભળી મહાદેવ વ્યથિત થઈ ગયા. કારણ કે મામડિયાના નસીબમાં તો સંતાનનું સુખ જ ન હતું. કહે છે કે ત્યારે મામડીયાની વ્યથા જોઈ દેવી પાર્વતીએ મહેશ્વરને કહ્યું, “હે સ્વામી ! આપ ઈચ્છો તો શું ન કરી શકો ? આપ તો ત્રિભુવનને પણ ડોલાવી શકો છો. ભલે આ દંપતીના જીવનમાં વિધાતાએ સંતાન જન્મના લેખ ન લખ્યા હોય. પણ, આપ કંઈક તો કરી જ શકો છો.”
પ્રચલિત કથા અનુસાર માતા પાર્વતીની વાત મહાદેવને યથાર્થ લાગી. તેમણે પાતાળલોકમાંથી નાગદેવતાને બોલાવ્યા અને કહી દીધું કે, “તમારી સાતેય દિકરીઓ અને દિકરાને તમારે મામડિયા ચારણનું મેણું ભાંગવા મોકલવા જ પડશે.” નાગ દેવતાએ તેમના સંતાનોને બોલાવ્યા અને તેમણે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો. આ સાથે જ મહાદેવે મામડિયાને કહ્યું કે, “મહા સુદ આઠમના રોજ તારા ઘર સમીપે આવેલાં વરખડીના વૃક્ષ નીચે આઠ ખાલી પારણા રાખજે. સાત નાગકન્યાઓ અને એક નાગપુત્ર તારા સંતાન સ્વરૂપે તેમાં પ્રગટ થશે. તે સૌનું કલ્યાણ કરશે.”
મહાદેવની આજ્ઞા મુજબ મામડિયાએ દેવળબા પાસે આઠ પારણા બંધાવ્યા. મહા સુદ આઠમે નાગ અને નાગણીઓ સ્વરૂપે તે સૌ પારણામાં આવ્યા. જોત જોતામાં તેમણે નવજાતનું રૂપ ધારણ કરી લીધું. મહાદેવની કૃપાથી મામડિયા અને દેવળબાને સાત દિકરી અને એક દિકરાની પ્રાપ્તિ થઈ. સંતાનમાં સૌથી નાના દિકરાનું નામ મેરખિયા રાખવામાં આવ્યું. જ્યારે દિકરીઓના નામ રાખવામાં આવ્યા આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ. કહે છે કે સૌથી નાના જાનબાઈ એટલે જ મા ખોડિયાર.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ શું તમે કરી રિદ્ધિ સિદ્ધિ સંગ ગણેશજીની પૂજા ? જાણો ગણેશજીના સમગ્ર પરિવારના પૂજનનો મહિમા
આ પણ વાંચોઃ ભાગ્યને બદલી નાખતા રત્નોના પણ કેટલાક નિયમો છે, ધારણ કરતાં પહેલા યાદ રાખી લો આ ખાસ વાત