શું તમે કરી રિદ્ધિ સિદ્ધિ સંગ ગણેશજીની પૂજા ? જાણો ગણેશજીના સમગ્ર પરિવારના પૂજનનો મહિમા
ગણેશજીની પૂજા ધન પ્રદાન કરનારી, યશ પ્રદાન કરનારી તેમજ સુખ-સંપત્તિની પ્રાપ્તિ કરાવનારી છે. પરંતુ, એકલાં ગણેશજીની પૂજા કરવાને બદલે જો રિદ્ધિ સિદ્ધિ સાથે તેમની પૂજા કરવામાં આવે તો ભક્તને ગજાનનની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ગજાનન શ્રીગણેશ (ganesha) એટલે તો મંગળકર્તા દેવ. શુભકર્તા દેવ. ગણપતિને પ્રથમ પૂજનીય મનાય છે. કારણ કે તેમના સ્મરણ અને પૂજન સાથે કોઈપણ કાર્ય શરૂ કરવાથી તે નિર્વિઘ્ને પાર પડી જાય છે. શ્રીગણેશ તો બુદ્ધિના દાતા, ગુણોના ઘડનારા તેમજ જ્ઞાનના પ્રદાતા પણ મનાય છે. કહે છે કે તેમની પૂજા તો ધન પ્રદાન કરનારી, યશ પ્રદાન કરનારી તેમજ સુખ-સંપત્તિની પ્રાપ્તિ કરાવનારી છે. પણ, શું તમને એ ખ્યાલ છે કે આ જ ગણેશજીનું પૂજન જ્યારે રિદ્ધિ સિદ્ધિ (riddhi siddhi) સંગ કરવામાં આવે ત્યારે તે ભક્તો પર સવિશેષ કૃપાની વૃષ્ટિ કરી દે છે !
રિદ્ધિ અને સિદ્ધિ એ બંન્ને શ્રીગણેશના પત્ની છે એ તો સૌ જાણે જ છે. પણ, એકલાં ગણેશજીની પૂજા કરવાને બદલે જો રિદ્ધિ સિદ્ધિ સાથે તેમની પૂજા કરવામાં આવે તો ભક્તને ગજાનનની સવિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એમાં પણ મંગળવારના રોજ ગણેશ પરિવારનું આ પૂજન સવિશેષ લાભદાયી બની રહે છે. ત્યારે આવો, જાણીએ કે કઈ પૂજાવિધિ અને મંત્રથી રિદ્ધિ સિદ્ધિ સંગ શ્રીગણેશના આશિષની પ્રાપ્તિ કરી શકાય.
વ્રતની વિધિ
⦁ મંગળવારે સવારે નિત્યક્રમથી પરવારીને રિદ્ધિ સિદ્ધિ સંગ ગણેશપૂજાનો સંકલ્પ લો.
⦁ રિદ્ધિ સિદ્ધિ અને ગણેશ પ્રતિમાને સ્નાન કરાવી બાજોઠ પર બિરાજમાન કરો.
⦁ ત્યારબાદ મૂર્તિઓની બંન્ને બાજુ શુભ અને લાભના પ્રતિક રૂપે સ્વસ્તિક બનાવો.
⦁ સિંદૂર, અક્ષત અર્પણ કરી પ્રભુની સહપરિવાર શાસ્ત્રોક્ત પૂજા કરો.
⦁ પ્રભુને જાસૂદ પુષ્પ અર્પણ કરો.
⦁ પુષ્પ ન હોય તો વાંધો નહીં, પરંતુ, પ્રભુને દૂર્વા અચૂક અર્પણ કરો. કારણ કે દૂર્વા વિના દુંદાળાની પૂજા અપૂર્ણ મનાય છે.
⦁ આસ્થા સાથે પ્રભુની આરતી ઉતારી તેમને નૈવેદ્યમાં મોદક લાડુ ધરાવો.
મંત્રથી ફળપ્રાપ્તિ
પૂજા બાદ આસ્થા સાથે નીચે જણાવેલ મંત્રોનો જાપ કરો.
ગણેશ મંત્ર- ૐ ગં ગણપતયે નમઃ ।
રિદ્ધિ મંત્ર- ૐ હેમવર્ણાય રિદ્ધયે નમઃ ।
સિદ્ધિ મંત્ર- ૐ સર્વજ્ઞાનભૂષિતાયે નમઃ ।
ઉપરોક્ત જણાવેલ ત્રણેવ મંત્રની એક એક માળા કરવી જોઈએ. જો તે શક્ય ન હોય તો ઓછામાં ઓછાં 11 વખત તો ત્રણેવ મંત્રનો જાપ કરવો જ. લૌકિક માન્યતા એવી છે કે સળંગ 11 મંગળવાર સુધી આવું કરવું જોઈએ. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ મંગલમૂર્તિ ગણેશ ભક્તોના તમામ અમંગળ હરી લે છે. એટલું જ નહીં દેવી રિદ્ધિ ભક્તને ધનના આશિષ પ્રદાન કરે છે. સાથે જ માતા સિદ્ધિની કૃપાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તો વિશેષ કૃપા અર્થે આપ નીચે જણાવેલ શુભ લાભના મંત્રના જાપ પણ કરી શકો છો.
શુભ મંત્ર- ૐ પૂર્ણાય પૂર્ણમદાય શુભાય નમઃ ।
લાભ મંત્ર- ૐ સૌભાગ્ય પ્રદાય ધન-ધાન્યયુક્તાય લાભાય નમઃ ।
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ ગણેશ પૂજામાં આ રીતે કરો ચોખાનો પ્રયોગ, વિઘ્નહર્તા આપશે અઢળક આશીર્વાદ
આ પણ વાંચોઃ બુધવારે કરો આ એક કામ, ગણેશજી કરશે તમામ નકારાત્મક ઊર્જાનો નાશ