સમગ્ર ગુજરાતમાં અનેકવિધ શિવાલય (shivalaya) વિદ્યમાન છે અને તેટલી જ અનોખી તો તે દરેક સાથે જોડાયેલી ગાથા પણ છે. ત્યારે અમારે આજે એક એવાં શિવ મંદિર વિશે વાત કરવી છે કે જે દર્શન માત્રથી શ્રદ્ધાળુઓને પરમશાંતિની અનુભૂતિ કરાવે છે. આ એ સ્થાનક છે કે જ્યાં દેવાધિદેવ મહાદેવ સિદ્ધનાથ મહાદેવનું (siddhnath mahadev) સ્વરૂપ ધારણ કરીને વિદ્યમાન થયા છે અને ભક્તોની સઘળી કામનાઓને સિદ્ધ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં બગવાડા નામે ગામ આવેલું છે. પાવની કોલક નદીના કાંઠે સ્થિત આ ગામમાં કુદરતે ખોબલેને ખોબલે સૌંદર્ય વેર્યું છે અને આ સૌંદર્યની મધ્યે જ શોભાયમાન છે એક અત્યંત નાનકડું શિવાલય. એ શિવાલય કે જે કદમાં ભલે નાનું છે, પરંતુ, તેનો મહિમા ખૂબ જ મોટો છે. આ સ્થાનક એટલે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. લોકવાયકા અનુસાર સિદ્ધનાથ મહાદેવનું મંદિર લગભગ 1350 વર્ષ પ્રાચીન છે અને તેના એ પ્રાચીનપણાના પૂરાવા આજે પણ મંદિરમાં અકબંધપણે સચવાયેલા છે. અહીં મંદિરના પરિસરમાં પગ મૂકતાં જ ભક્તોને પ્રાચીન પોઠીયાના દર્શન થાય છે. આ પોઠીયાને વંદન કરી ભક્તો સિદ્ધનાથને નતમસ્તક થવા મંદિરની અંદર પ્રવેશ કરે છે. અહીં ગર્ભગૃહ મધ્યે સિદ્ધનાથનું ભવ્ય સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે.
આ સ્થાનકની વિશેષતા જ એ છે કે ભક્તો અહીં સ્વહસ્તે મહેશ્વરની પૂજા કરી શકે છે. અહીં આવતા દર્શનાર્થીઓનું માનીએ તો સિદ્ધનાથની તો શરણ માત્ર તેમને પરમશાંતિની અનુભૂતિ કરાવી દે છે. કહે છે કે આ એ શિવ સ્થાનક છે કે જેના સાનિધ્યે આવ્યા બાદ ભક્તોને ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો. કારણ કે સિદ્ધનાથ ભક્તોની સઘળી કામનાને પૂર્ણ કરનારા છે.
પ્રચલિત કથા અનુસાર 7 મી સદીમાં આ ક્ષેત્રમાં સેન્દ્રક રાજાઓનું રાજ હતું. જેના સ્થાપક હતા ભાનુશક્તિ. આ ભાનુશક્તિના પૌત્ર અલ્લશક્તિ તેના બાહુબળે પૃથ્વીવલ્લભ અને નિકુમ્ભ જેવાં નામે પ્રસિદ્ધ થયા. તે અલ્લશક્તિ પરમ માહેશ્વર હતા. એટલે કે તે શિવજીના પરમ ઉપાસક હતા. ઐતિહાસિક ઉલ્લેખો અનુસાર અલ્લશક્તિએ જ વર્ષ 656માં સિદ્ધનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને તેમાં દિવ્ય શિવલિંગની પ્રતિષ્ઠા કરાવી હતી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)