પવિત્ર શ્રાવણ (SHRAVAN) માસ ચાલી રહ્યો છે. અને શ્રાવણમાં શિવાલયના દર્શનનો સવિશેષ મહિમા છે. આજે અમારે આપને વિશ્વના સૌથી અનોખા શિવ મંદિરની વાત કરવી છે. અને આ શિવાલય એટલે ઘૂમટ વિનાનું મંદિર. 800 વર્ષથી પણ વધુ પ્રાચીન છે વિશ્વનું સૌથી દુર્લભ શિવ મંદિર એટલે કે અબ્રામામાં આવેલ તડકેશ્વર (TADKESHWAR) મહાદેવનું સ્થાન. વલસાડ જીલ્લાના વલસાડ (VALASAD) તાલુકામાં આવેલું અબ્રામા ગામ. એ ગામે કે જે આજે ન માત્ર ગુજરાતમાં પરંતુ, સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. અને તેનું કારણ છે હીં આવેલું .વિશ્વનું સૌથી અનોખું શિવાલય, શિખર વિનાનું શિવાલય.
તડકેશ્વરનું સૌથી દુર્લભ સ્વરૂપ
વિવિધ શિવાલયોમાં જોવા મળતા ઉર્ધ્વ શિવલિંગથી ભિન્ન તડકેશ્વર મહાદેવનું રૂપ તો સૂતેલી શિલા સમાન ભાસે છે. વળી, શિખર વિનાના આ મંદિરમાં શિવલિંગ એવી રીતે સ્થાપિત છે કે દેવાધિદેવ સ્વયં ખુલ્લા આકાશને નિહાળી શકે અને કહે છે કે આ તો સ્વયં મહેશ્વરની જ ઈચ્છા છે ! જી હાં, અહીં મહેશ્વરનું સૌથી દુર્લભ સ્વરૂપ છે. તમને ખબર છે આ સૂતેલા શિવલિંગને પૂર્ણપણે અભિષેક થાય તે માટે અહીં અનોખી જ જળાધારી તૈયાર કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ એક પાત્રમાં જળને ઠાલવે છે. અને પછી જળાધારીના વિવિધ છીદ્રોમાંથી જળ મહાદેવના સંપૂર્ણ રૂપ પર પ્રવાહિત થાય છે. અને સૌ કોઈ શિવજીના આ અલભ્ય સ્વરૂપને જળાભિષેક કરે છે.
કેમ શિખર વિનાનું છે શિવાલય ?
વલસાડના અબ્રામામાં વિદ્યમાન શ્રીતડકેશ્વર મહાદેવનું સ્થાનક એ તો 800 વર્ષ પ્રાચીન મનાય છે. અને મહેશ્વરના આ દિવ્ય રૂપના પ્રાગટ્ય સાથે એક અત્યંત રસપ્રદ કથા જોડાયેલી છે. છેલ્લાં 800 વર્ષમાં અનેકવાર આ શિવજી માટે સુંદર શિવાલય બનાવવાના પ્રયત્ન થયા. પણ, કહે છે કે આ શિવજીના હઠયોગી રૂપને તો છત કે છાંયો મંજૂર જ ન હતો. કથા જ તડકેશ્વરના અહીં હાજરાહજૂરપણાંની સાક્ષી પૂરે છે.
દર સોમવારે તડકેશ્વરના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. મહાશિવરાત્રીએ અહીં મેળાનું આયોજન થાય છે. તો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તો તડકેશ્વરના દર્શનનો સવિશેષ મહિમા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)