Bhakti: રથયાત્રાનો (RATHYATRA) રૂડો અવસર નજીક છે. ભક્તો જગન્નાથજી(Jagannathji)ની ભક્તિમાં ભાવવિભોર બની રહ્યા છે. ત્યારે, આજે વાત કરવી છે એક એવાં કુંડની કે જેના લીધે જ પુરીજગન્નાથ(Jagannath Puri)ના શ્રીમંદિરમાં પ્રભુ જગન્નાથજીની પ્રતિષ્ઠા શક્ય બની હતી ! પુરીધામમાં આમ તો મુખ્ય મંદિર ઉપરાંત અનેક તીર્થસ્થાનકો આવેલાં છે. અહીં અનેક દેવી-દેવતાઓના પણ ભક્તોને દર્શન થઈ રહ્યા છે. પણ, તે સૌમાં એક ખાસ કુંડના દર્શનનો સવિશેષ મહિમા છે. તે ખાસ કુંડ એટલે ‘રોહિણી કુંડ’.
પુરીમાં શ્રીમંદિરની અંદર જ દેવી વિમલાનું મંદિર આવેલું છે. અને આ મંદિરની સામે જ આવેલો છે રોહિણી કુંડ. મંદિરમાં આવેલ આ રોહિણી કુંડ સાથે ખૂબ જ રસપ્રદ કથા જોડાયેલી છે. પ્રચલિત કથા અનુસાર પુરીમાં પ્રભુ જગન્નાથજીને બિરાજમાન કરવા માટે રાજા ઈન્દ્રધુમ્ને ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું.
ત્યારબાદ મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા માટે બ્રહ્માજીને બોલાવવા તેઓ બ્રહ્મલોક ગયા. ઉલ્લેખનિય છે કે બ્રહ્મલોકનો એક દિવસ બરાબર ધરતી પરનાં 1 હજાર વર્ષ થાય છે ! જેને લીધે રાજા ઈન્દ્રધુમ્નને ધરતી પર પરત ફરવામાં વિલંબ થયો. કહે છે કે તે એક હજાર વર્ષ દરમિયાન પુરીનું મંદિર સમુદ્રની રેતીમાં દટાઈ ગયું. જે ગાલમાધવ નામના રાજાએ શોધી કાઢ્યું.
રાજા ગાલમાધવે પુરીના મંદિર પર તેમનું આધિપત્ય જમાવી દીધું. ઈન્દ્રધુમ્ન રાજા મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા માટે બ્રહ્માજીને લઈ પૃથ્વી પર પરત આવ્યા. પરંતુ, અહીં તો રાજા ગાલમાધવ મંદિર પર તેમનો હક પ્રસ્થાપિત કરી ચૂક્યા હતા. દંતકથા એવી છે કે તે સમયે શ્રીમંદિર સ્થિત રોહિણી કુંડ પાસે જ બધાં લોકો ભેગા થયા.
રોહિણી કુંડ પાસે કાચબાઓ અને ચતુર્ભુજ કાગડાઓ આવ્યા. મંદિરનું નિર્માણ રાજા ઈન્દ્રધુમ્નએ જ કરાવ્યું હોવાની કાચબા અને ચતુર્ભુજ કાગડાઓએ સાક્ષી પૂરી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી સ્વયં બ્રહ્માજીના હસ્તે પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથજીની સ્થાપના થઈ.
માન્યતા એવી છે કે તે સમયથી જ રોહિણી કુંડની અંદર ચતુર્ભુજ કાગડાઓ અને નીલચક્રની પ્રતિકૃતિ અંકિત થયેલી છે. આ રોહિણી કુંડ તો પ્રલયકાળ સાથે પણ સંબંધ ધરાવે છે ! કહે છે કે પ્રલયના સમયે આ કુંડનું જ પાણી સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે. અને પ્રલય બાદ બધું પાણી પાછું આ કુંડમાં જ સમાઈ જાય છે !
રોહિણી કુંડના આ મહત્વને લીધે જ ભક્તોને મન તેના દર્શનનો મહિમા છે. આ કુંડ પ્રભુના મંદિરમાં પ્રસ્થાપિત થવાનો સાક્ષી રહ્યો છે. અને એ જ કારણ છે કે તેના દર્શન કરીને ભક્તો સાક્ષાત પ્રભુ જગન્નાથજીના દર્શનની અનુભૂતિ કરે છે.
આ પણ વાંચો : જાણો રથયાત્રા પૂર્વે થતી ગુંડિચા મંદિરની ‘માર્જન’ પ્રથાનું રહસ્ય !