Devbhumi Dwarka: દ્વારકામાં સાંબેલાધાર વરસ્યો વરસાદ, માત્ર 2 કલાકમાં 5 ઈંચ ખાબક્યો, જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં મેધરાજાએ આજે તોફાની બેટિંગ કરી છે. બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે.
આજે બપોરના સુમારે મેઘરાજાએ દેવભૂમિ દ્વારકામાં જાણે ધડબડાટી બોલાવી હોય તેવો માહોલ સર્જાયો હતો. બપોરના 2 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં 5 ઈંચથી વધુ સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. આ અનરાધાર વરસાદને પગલે સમગ્ર યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
પવનના સુસવાટા સાથે વરસેલા ધોધમાર વરસાદે શહેરના મુખ્ય માર્ગોને જાણે બેટમાં ફેરવી નાખ્યો હોય એવું લાગી રહ્યું છે. દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને સામાન્ય જનજીવન ખુબ જ અસર થઈ છે.
આટલા ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદથી ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વરસાદી પાણીનો એક અલભ્ય અને અદભુત દ્રશ્યો નિહાળવા માટે અનેક લોકો ઉમટી પડ્યા હતા.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
