અમદાવાદમાં ઠેર ઠેર ખાડા અને ભુવાનું સામ્રાજ્ય, ઘાટલોડિયા બાદ હવે મણિનગરમાં પડ્યો ભ્રષ્ટાચારનો વિશાળકાળ ભુવો- Video
અમદાવાદમાં શહેરમાં વરસાદને પગલે ઠેર ઠેર માર્ગો ખાડાગ્રસ્ત બન્યા છે, અનેક રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થયુ છે અને સંખ્યાબંધ વિસ્તારોમાં ભુવા પડવાની સમસ્યા સામે આવી છે. આખેઆખો રોડ જમીનમાં ઉતરી જતા મોટા મોટા વાહનો સમાઈ જાય તેવા વિશાળકાય ભુવા પડી રહ્યા છે. શહેરમાં ઘાટલોડિયા બાદ હવે મણિનગરમાં પણ મહાકાય ભુવાએ ચિંતા વધારી છે.
અમદાવાદમાં વરસાદ આવે અને આખે આખા રોડ જમીનમાં ઉતરી જાય અને પોલાણને કારણે ભુવા પડવાની સમસ્યા હવે રોજિંદી થતી જાય છે. વર્ષોથી વરસાદ બાદ આ જ પ્રકારે દરેક વિસ્તારોમાં ભુવા પડે છે પરંતુ ભ્રષ્ટ તંત્રના સત્તાધિશો તેનુ નિરાકરણ નથી લાવી શક્યા. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો તો મહાનગરપાલિકાની નબળી કામગીરીના દરેક વિસ્તારમાંથી લીરેલીરા ઉડાડતા દૃશ્યો આપણે સહુએ જોયા. અનેક સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયા. આખે આખા અંડર પાસ પાણીમાં ગરકાવ થઈ ગયા. ઠેકઠેકાણે રસ્તાનું ધોવાણ થયુ. રસ્તા પરથી ડામર તો જાણે નામશેષ થઈ ગયો અને અનેક વિસ્તારોમાં મહાકાય ભુવા પડવાની પણ સમસ્યા સર્જાઈ છે.
મણિનગરથી જશોદાનગર જવાના માર્ગે પડ્યો ભ્રષ્ટાચારનો મહાકાય ભુવો
શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં મહાકાય ભુવો પડ્યા બાદ હવે મણિનગરથી જશોદાનગર જવાના માર્ગ પર પણ મહાકાય ભુવો પડ્યો છે. ડિવાઈડરની નીચે પડેલા આ ભુવામાં ચારેબાજુથી આખેઆખી ટ્રક સમાઈ જાય એટલી હદે જગ્યાનું પોલાણ થયુ છે. નીચેની માટીનું ધોવાણ થતા મસમોટો ભુવો પડ્યો છએ. સ્થાનિકોએ સત્વરે તંત્રને જાણ કરી તાત્કાલિક ભુવો પુરવાની માગ કરી છે, જો કે શેલા વિસ્તારમાં પડેલા ભુવાનું 45 દિવસ બાદ પણ સમારકામ થયુ ન હતુ. ત્યારે જોવુ રહ્યુ કે મહાનગરપાલિકા આ ભુવાને ક્યારે બુરવા માટે કામગીરી કરે છે.
મનપાના સત્તાધિશોની કટકીના પાપે ઠેર ઠેર અનેક માર્ગોનું થયુ ધોવાણ
મનપાના સત્તાધિશો અમદાવાદને સ્માર્ટ સિટી અને મોડલ સિટીના બેનર તળે રૂપાળા નામો આપ્યા કરે છે પરંતુ જનતાને સારા ટકાઉ રોડ રસ્તા અને વરસાદી પાણીના નિકાલની સુવિધા પણ પુરી પાડી શક્તા નથી. સામાન્ય રીતે એકવાર બનાવી દીધેલા આસ્ફાલ્ટના રોડમાં જો સારી ગુણવત્તાની કામગીરી થાય અને ભ્રષ્ટાચાર ન થાય તો આ રોડને 10 થી 20 વર્ષ સુધી કંઈ થતુ નથી. અહીં 10 વર્ષ તો છોડો એક જ વરસાદમાં કેટલાક મહિનાઓમાં જ આખેઆખા રોડનું ધોવાણ થઈ જાય છે અને નફ્ફટ તંત્ર દર વર્ષે ફરી એની એ જ હલકી કામગીરી કરવામાં લાગી જાય છે.