યુટ્યુબર જ્યોતિ જાસૂસનું ખૂલ્યુ ગુજરાત કનેક્શન, વર્લ્ડકપની ઓપનિંગ મેચ જોવા માટે આવી હતી અમદાવાદ- Video
હરિયાણાની યુટ્યુબ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા હાલ પાકિસ્તાન સાથે ભારતની જાસુસી કરવાના આરોપસર પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે જ્યોતિ મલ્હોત્રા અગાઉ ગુજરાતની પણ મુલાકાત લઈ ચુકી હોવાનો ખૂલાસો થયો છે. વર્લ્ડ કપની મેચ દરમિયાન જ્યોતિ અમદાવાદ આવી હતી.
હરિયાણાની યુટ્યુબ વ્લોગર જ્યોતિ મલ્હોત્રા પર ભારતની પાકિસ્તાન સાથે જાસુસી કરવાનો આરોપ લાગ્યો છે. જ્યોતિ પાકિસ્તાનની પણ મુલાકાત લઈ ચુકી છે અને ત્યાંના હાઈકમિશન સાથે ઘનિષ્ઠ સંબંધો હોવાનું અને અનેકવાર તેની હાઈકમિશન સાથે મુલાકાત કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે જ્યોતિનુ હવે ગુજરાત કનેક્શન પણ સામે આવ્યુ છે. આ યુટ્યુબર જ્યોતિ વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ મેચ જોવા માટે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી હતી.
મેચ દરમિયાન જ્યોતિએ tv9 ગુજરાતી સાથે પણ મેચ અંગે વાતચીત કરી હતી. જ્યોતિને ભારત-પાકિસ્તાનની મેચ જોવાની બહુ ઈચ્છા હતી પરંતુ ટિકિટ બહુ હાઈ હોવાથી પૂરતા પૈસા ન હોવાનું જણાવતી જોવા મળી હતી. વર્લ્ડકપની મેચ દરમિયાન જ્યોતિએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક રીલ બનાવી હતી. જેમા પાકિસ્તાન સમર્થકો સાથે પણ જ્યોતિએ કેટલાક વીડિયો બનાવ્યા હતા, જેમા તે ભારત-પાકિસ્તાનના ભાઈચારાની વાત કરતી નજરે પડી હતી. અહીં વીડિયોમાં જ્યોતિને સ્પષ્ટ જોઈ શકાય છે. જેમા તે પાકિસ્તાની ફેન્સ સાથે વાત કરતી પણ દેખાઈ રહી છે.
જ્યોતિનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યોતિ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનના હાઈકમિશન સાથે સંપર્કમાં હતી અને ભારતની સંવેદનશીલ માહિતી એકત્ર કરી તેમને આપતી હોવાનો તેના પર આરોપ છે. હાલ તે હિસાર પોલીસની કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે. ત્યારે જ્યોતિ મામલે હવે નવા શું ખૂલાસા થાય છે તે જોવુ રહ્યુ.