અમદાવાદની 50 નામાંકિત સ્કૂલોની મનમાની, FRCમાં ફી મંજૂર કરાવ્યા વગર જ વાલીઓ પાસેથી વસુલી લીધી ફી
અમદાવાદમાં 50 થી વધુ શાળાઓ પર ફી રેગ્યુલેટરી કમિટી (FRC) ના નિયમોનો ભંગ કરીને વગર મંજૂરી ફી વસૂલવાનો આરોપ લાગ્યો છે. આ શાળાઓ પર પ્રિ-પ્રાઇમરી ફી માટે FRCની મંજૂરી લીધા વગર ફી વસૂલવાનો આરોપ છે. હવે આ શાળાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.

અમદાવાદની 50 શાળાઓએ ફી મંજુર કરાવ્યા વગર જ ફી વસુલી લીધી હોવાનુ સામે આવ્યુ છે. આ સમગ્ર મામલે એફઆરસી દ્વારા અમદાવાદના ડીઇઓ-ડીપીઓને રિપોર્ટ રજુ કરવા માટે આદેશ કરવામા આવ્યા હતા. અમદાવાદ DPEO એ તપાસ કરાવતા 50 આવી શાળાઓ મળી આવી છે. જે અંગેનો રીપોર્ટ FRC માં કરી દેવાયો છે.
શાળાઓએ પ્રાથમિક નિયત થયેલ ફી કરતા વધારે ફી લેવી હોય તો ફી રેગ્યુલેટરી કમિટીની મંજૂરી હોવી જરૂરી છે. જો કે અનેક શાળાઓ FRC ના નિયમોને ઘોળીને પી ગઈ હોય એવી સ્થિતિ સામે આવી રહી છે. અમદાવાદની 50 એવી શાળાઓ સામે આવી છે કે જેમને પ્રાથમિક કે માધ્યમિક શાળા માટેની ફી મંજુર કરાવી હતી જો કે પ્રિ પ્રયમરીની ફી મંજુર કરાવી ના હતી.
નિયમ મુજબ જે શાળાઓ મુખ્ય શાળાની સાથે પ્રિ પ્રાયમરી શાળા પણ ચલાવતી હોય તેવી શાળાઓએ FRC માં ફી મંજુર કરાવવી ફરજીયાત છે. છતા શહેરની નામાંકિત શાળાઓએ મનમાની કરીને FRC માં ફી મંજુર ન કરાવી હોવાનુ સામે આવ્યુ છે. FRC ના ધ્યાનમાં આવ્યુ હતુ કે અમદાવાદ ઝોનમા આવેલી અનેક શાળાઓ કે જેઓ પ્રિ પ્રાયમરી સેક્શન ચલાવતા હોવા છતા પણ ફી રેગ્યુલેટરીમાં કરાતી દરખાસ્તમાં તે દર્શાવતા ન હતા. ત્યારે આ સમગ્ર મામલે તપાસનો આદેશ ડીઇઓ અને ડીપીઓને કરવામા આવ્યો હતો. શરૂઆતમાં ઉદ્દગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, અને સત્વ વિકાસ સ્કૂલ દ્વારા કોઇ દરખાસ્ત કરવામા આવી ન હતી, પરંતુ ડીઇઓના આદેશ બાદ આ સ્કૂલોએ દરખાસ્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારમા આવેલી..
- નિર્માણ હાઇસ્કૂલ, નવરંગ હાઇસ્કૂલ
- સહજાનંદ સ્કૂલ, એસ એસ ડિવાઇન હાઇસ્કૂલ
- ઇન્ડીયન પબ્લીક સ્કૂલ સાણંદ, ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ
- એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકા, પ્રેમ વિદ્યાવિહાર સ્કુૂલ
- નાલંદા વિદ્યાલય, લીટલ એન્જલ પ્લે સ્કૂલ
- સાધના વિનય મંદીર, સત્યસાઇ વિદ્યામંદીર
- લીટલ ફ્લાવર સ્કૂલ,
- મધરલેન્ડ સેકન્ડરી સ્કૂલ,
- સેન્ટ ઝેવિયર્સ હાયરસેકન્ડરી સ્કૂલ
સહીતની 50 સ્કૂલોનો રિપોર્ટ FRCમાં સબમીટ કરવામા આવ્યો છે. FRCના નિયમો ભંગ કરનાર શાળાઓની હાલ તો તમામ વિગતો માંગવામા આવી છે. ત્યારે આગામી સમયમાં આ શાળાઓને દંડ કરવામા આવી શકે છે. ગત મહિને પણ એફઆરસીની નિયમોનો ભંગ કરનાર 9 શાળાઓને 25 હજારનો દંડ ફટકારવામા આવ્યો હતો ત્યારે આ શાળાઓ સામે શુ કાર્યવાહી થાય છે તે મહત્વનું રહેશે.