નીતિન પટેલે આમ આદમી પાર્ટીને લીધી આડે હાથ, “‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઇના ઝાંસામાં ન આવે”
પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ હંમેશા તેમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને હેડલાઈન્સમાં છવાયેલા રહે છે. ત્યારે ફરી એકવાર નીતિન પટેલે કડીમાં આયોજિત સ્નેહ મિલનમાં આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી છે.
પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે ફરી એકવાર આમ આદમી પાર્ટી પર ચાબખા માર્યા છે. કડીમાં આયોજિત એક સ્નેહ મિલન કાર્યક્રમમાં નીતિન પટેલે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ. નીતિન પટેલે કહ્યુ ‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઇના ઝાંસામાં ન આવે. પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે છે. પાટીદારો જિંદગીમાં ભાજપ સિવાય અન્ય કોઈને મત નથી આપવાના. ગમે તેટલા રૂપિયા આપે પણ જો સત્તામાં ભાગીદારી નહીં હોય, સત્તામાં તમારો અવાજ બુલંદ નહીં હોય તો તમને કોઈ પૂછશે નહીં. સત્તામાં આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવી જરૂરી છે.
“આપણાને આગળ કરો એ આપણને આગળ લાવશે”
વધુમાં નીતિન પટેલે ઉમેર્યુ “બીજી જ્ઞાતિના લોકોને આગળ કરવા માટે આપણા ભાઈને કાપવાની કોઈ જરૂર નથી. આપણા હજારો શક્તિશાળી યુવાનો હોય તો પારકાને લઈને ફરવાની શું જરૂર છે. આપણા ભાઈઓને-આપણા યુવાનોને મોટા કરો.”
જો કે આ પહેલા પણ નીતિન પટેલે કહ્યુ હતુ કે તમે મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્ય, હોદ્દાથી કંઈ થતુ નથી, વ્યક્તિથી થાય છે.. હું કડીમાં છું ત્યાં સુધી ખોટુ નહીં થવા દઉ. આ તકે નીતિન પટેલે નામ લીધા વગર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા પૂર્વ મંત્રી બચુ ખાબડ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ આજુબાજુ ખોટી ટોળકી હોય તો તમને બદનામ કરે,રાજ્યમાં કેટલાક મંત્રીઓને પદ ગુમાવવા પડ્યા છે. ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય છે.
Input Credit-Manish Mistri- Mehsana