ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં બે દિવસમાં ઉમટ્યા 6 લાખથી વધુ ભક્તો, અહીં ભાવિકો માટે 24 કલાક શરૂ રહે છે અન્નક્ષેત્રો- જુઓ વીડિયો
જુનાગઢ: ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મહામેળામાં ભક્તોનો મહાસાગર ઘુઘવી રહ્યો હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. 2 દિવસમાં 6 લાખ લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે અને હજુ ભાવિકોનો અવિરત પ્રવાહ આવવાનુ શરૂ જ છે. દેશવિદેશથી સાધુ સંતો આ મેળામાં પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે.
જુનાગઢમાં ભવનાથમાં સોરઠ મહાશિવરાત્રીના મેળાનો આજે ત્રીજો દિવસ છે. દેશ વિદેશથી સાધુ સંતો અને ભાવિકો અહીં પૂણ્યનું ભાથુ બાંધવા આવી પહોંચ્યા છે. ભવનાથની તળેટીમાં આયોજિત આ મેળામાં બે દિવસમાં 6 લાખથી વધુ ભાવિકો આ મેળાની મુલાકાત લીધી છે. મેળામાં આવતા ભાવિકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સંત શુરા અને દાનવીરોની ભૂમિ એટલે સોરઠ
સોરઠ માટે એવુ કહેવાય છે કે સોરઠ એટલે સંત શુરા અને દાનવિરોની ભૂમિ, અહીંના લોકો સેવામાં અને દાનમાં ક્યારેય પાછીપાની કરતા નથી. સૌરાષ્ટ્રની ભૂમિ તેની ખુમારી, ભક્તિ અને દાતારી માટે જાણીતી છે. આથી ભવનાથમાં આયોજિત મેળાને ભજન ભોજન અને ભક્તિનો ત્રીવેણી સંગમ કહેવામાં આવે છે. અહીં આવનારા તમામ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે આટલી વિશાળ સંખ્યામાં આવતા ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા પાર પાડવી તે પણ કોઈ ચમત્કારથી ઓછુ નથી. ભવનાથમાં ઠેકઠેકાણે અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકો તેમા સેવા આપી રહ્યા છે.
‘જ્યાં અન્નનો ટૂકડો ત્યાં હરી ઢૂકડો’, 24 કલાક ધમધમે છે અન્નક્ષેત્રો
અહીં આવેલુ ખોડિયાર અન્નક્ષેત્ર ટ્રસ્ટ 1961થી ભાવિ ભક્તો અને સાધુ સંતો માટે શિવરાત્રીના મેળા દરમિયા 4 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરે છે. તેમની પાસે 450 જેટલા સ્વયંસેવકોનો સ્ટાફ છે. દર શિવરાત્રીએ રાજકોટથી આ સ્વયંસેવકો આવી જાય છે અને એકપણ પૈસા લીધા વિના સેવા માટે આવે છે. છેલ્લા 63 વર્ષથી આ ટ્રસ્ટ પરીક્રમા અને શિવરાત્રીના મેળા દરમિયાન ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. અહીં ભાવિકોને સાત્વીક અને પોષ્ટિક વાનગી પીરસવામાં આવે છે. અહી જે કોઈ મીઠાઈ બને છે તે શુદ્ધ ઘીમાં અને સીંગતેલમાં ફરસાણ બને છે. લાઈવ મશીનમાં એક કલાકમાં 5 થી 6 હજાર ફુલકા રોટલી તૈયાર થઈ જાય છે . સવારે રોજ ચા ગાંઠિયા અને મરચાનો નાસ્તો આપવામાં આવે છે. ટ્રસ્ટના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ એક દિવસમાં 50થી 70 હજાર માણસો પ્રસાદ લે છે. 24 કલાક ચા ની વ્યવસ્થા રાખવામાં આવી છે. 5 દિવસમાં અઢી થી ત્રણ લાખ લોકો અહીં ભોજન લે છે. દિવસના 24 કલાકમાંથી 16 કલાક ભોજનની કામગીરી ચાલે છે.
મૃગીકુંડમાં સાધુઓ અને નાગા સંન્યાસીઓના શાહી સ્નાન બાદ સંપન્ન થાય છે મેળો
ગેબી ગીરનારની તપ અને જપની ભૂમિમાં આવતા જ લોકો ધન્યતાની અનુભૂતિ કરે છે અને તેમને ક્યાંય થાક જણાતો નથી. આપને જણાવી દઈએ કે ભવનાથ મંદિરની બાજુમાં આવેલા મૃગીકુંડનું પણ અનેરુ મહત્વ છે. રાજા ભોજે આ કુંડ બનાવ્યો હતો. ગીરનારની પરીક્રમા પૂર્ણ કરી મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ નાગા સન્યાસીઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. વઆ શાહી સ્નાન બાદ અનેક સાધુઓ અદૃશ્ય થઈ જતા હોવાની પણ એક માન્યતા છે.
Input Credit- Jignasa Kalani- Junagadh
આ પણ વાંચો: બમ બમ ભોલે અને જય ગીરનારીના નાદ સાથે ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો થયો પ્રારંભ- જુઓ વીડિયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો