બમ બમ ભોલે અને જય ગીરનારીના નાદ સાથે ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો થયો પ્રારંભ- જુઓ વીડિયો
જુનાગઢમાં ગરવા ગીરનારની ગોદમાં મિનિકુંભ સમાન મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે ભવનાથ તળેટી બમ બમ બોલે અને જય ગીરનારીના નાદથી ગૂંજી ઉઠી છે. ભવનાથ મહાદેવના મંદિરે શાસ્ત્રોક્ત પૂજન અને ધ્વજારોહણ સાથે આ મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે.
જુનાગઢમાં ભવનાથ મહાદેવ ખાતે શાસ્ત્રોકત પૂજન, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે. સાધુ-સંતો, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગીરનારની ગોદમાં આયોજિત થતા મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. આ તકે જુનાગઢના મેયર, કલેક્ટર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને સાધુ-સંતોએ વિવિધ અખાડા સ્થાનકના દર્શન કર્યા હતા. સાથે જ ભારતી આશ્રમ ખાતે ધ્વજારોહણ માટે ધ્વજ પૂજન પણ કર્યું હતું. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આ મેળાનો પ્રારંભ થયો છે. ભવનાથ મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ મેળામાં ભારતભરમાંથી સાધુ-સંતો અને શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે.
જુનાગઢમાં ગીરનારની તળેટીમાં બમ બમ ભોલેના નાદ સાથે ગીરનારની તળેટી ગૂંજી ઉઠી હતી. મીની કુંભ ગણાતા મહાશિવરાત્રીના મેળાનો શાસ્ત્રોક્ત પૂજન અને ધ્વજારોહણ સાથે પ્રારંભ થયો છે. આગામી 4 દિવસ સુધી ભજન, ભોજન અને ભક્તિનો ત્રીવેણી સંગમ શિવરાત્રીના મેળામાં જોવા મળશે. દેશભરમાંથી વિવિધ અખાડાના સાધુ સંતો આ મેળામાં સહભાગી થવા આવી પહોંચ્યા છે. હર હર મહાદેવના નાદ સાથે લાખોની સંખ્યામાં ભાવિકો આ 4 દિવસ દરમિયાન પૂણ્યનું ભાથુ બાંધશે. શિવ આરાધનામાં લીન થવાના આ મહાઅવસરમાં 250 જેટલા અન્નક્ષેત્રોમાં હરિહરનો સાદ સંભળાશે. યાત્રિકોની સુરક્ષા માટે 2800 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh