CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટના MP રૂપાલાએ કહ્યું-હાથમાં આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો
અગાઉ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાની કબૂલાત કરી હતી. તેમણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરવેની કામગીરીથી ખેડૂતોને વાકેફ પણ કર્યા હતા.
અમરેલીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાએ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખેડૂતોની દુર્દશા વર્ણાવી હતી. ઓગસ્ટ મહિનામાં વરસેલા અતિ વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનનું રૂપાલાએ વર્ણન કર્યું હતુ. જો કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ અંગે પણ રૂપાલાએ વખાણ કર્યાં હતા.
આજે અમરેલીના સાવરકુંડલા ખાતે રુ.122 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું. આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલાએ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતોની દુર્દશાનું વર્ણન કર્યું હતું. પરશોત્તમ રુપાલાએ કહ્યું કે, આ વખતે ખેડૂતોએ મગફળીનું વિપૂલ માત્રામાં વાવેતર કર્યું હતું. 40 મણનો ઉતારો આવે તેમ હતો.
ખાદ્યતેલની ઘટ પૂરી થાય એટલી માત્રામાં મગફળીનું ઉત્પાદન થવાનું હતું. પરંતુ અતિશય વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યાં, હાથમાં આવેલ કોળિયો ઝુંટવાઈ ગયો. જો કે પરશોત્તમ રુપાલાએ, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજના વખાણ કર્યા હતા અને પાછોતરા વરસાદે ખેડૂતોને પહોચાડેલા નુકસાન અંગે સરવે હાથ ધરાયેલ છે તે પગલાંને પણ વખાણ્યા હતા.
અગાઉ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું હોવાની કબૂલાત કરી હતી. તેમણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરવેની કામગીરીથી ખેડૂતોને વાકેફ પણ કર્યા હતા.