ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, નવસારી, વડોદરા, જુનાગઢને કર્યા તરબોળ- જુઓ Video
ગુજરાતમાં વિરામ બાદ વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે અને મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. ખાસ કરીને નવસારી, સુરત શહેર, વડોદરાના ડભોઈ તાલુકા અને જુનાગઢને મેઘરાજાએ તરબોળ કર્યા છે.
ગુજરાતમાં તો ફરી એક વખત વિરામ બાદ નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સવારથી શરૂ થયેલા વરસાદે છાપરા રોડ, આશાપુરી મંદિર અને હોસ્પિટલ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાવ્યા. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા નાગરિકોની અવરજવમાં ભારે હાલાકી નોંધાઈ. શહેરના નીચાણવાળા વિસ્તારો અને રેલવે સ્ટેશનના ગરનાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થયા. સ્થાનિકો મનપાની ખોટી પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા..
સુરત શહેરમાં વિરામ બાદ મેઘરાજાએ ફરીથી આગમન કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે. સિટીલાઈટ, ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની ઝરમર ચાલી રહી છે. તાપમાનમાં વધારો અને વધેલા બફારા બાદ વરસાદે નાગરિકોને રાહતનો શ્વાસ આપ્યો. ઝરમર ઝાકળ જેવા વરસાદે સુરતીલાલાઓના મોઢા પર સ્મિત ફેલાવી દીધું.
વડોદોરાના ડભોઇ શહેર અને તાલુકામાં મેઘરાજાએ ધોધમાર રીતે વરસાદ વરસાવ્યો છે. નવીનગરી, જનતાનગર, આંબાવાડી જેવા વિસ્તારો પાણીથી પલળી ગયા છે. કાયાવરણ, મંડાળા અને સુલતાનપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની આગમનથી વાતાવરણ ભીંજાઈ ગયું. લાગે છે કે મેઘરાજા હવે રૂઠ્યા બાદ માની ગયા હોય તેમ લાગી રહ્યું છે. નદી-નાળાઓમાં પાણીના પ્રવાહ શરૂ થતાં ગ્રામજનોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો.
જુનાગઢમાં વરસાદની મોસમમાં ગિરનારનું સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓ માટે કુદરતની મજા સજા બની ગઈ હતી. બે દિવસ પહેલા જટાશંકર મંદિર નજીક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં કેટલાક પ્રવાસીઓ ફસાયા હતા…પ્રવાસીઓ જટાશંકર મંદિરમાં દર્શન કર્યા બાદ ઝરણા નજીક કુદરતી સૌંદર્ય માણતા હતા એ દરમિયાન અચાનક ઝરણાનો ધસમસતો પ્રવાહ આવતા પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી અને પ્રવાસીઓએ એકબીજાની મદદથી અને લાકડાની સહાયથી ઝરણું પાર કરીને સલામત બહાર નીકળ્યા હતા. આ ઘટના દર્શાવે છે કે વરસાદની ઋતુમાં કુદરતી સ્થળોની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.