ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મંદિરે અચાનક પાણીનો પ્રવાહ વધતા અનેક લોકો ફસાયા, જીવ પડીકે બંધાયા- જુઓ Video
ગિરનારની ગોદમાં પ્રકૃતિન ખોળે આવેલા જટાશંકર મંદિરે દર ચોમાસામાં અનેક લોકો પિકનિક માટે જાય છે. અહીં કુદરતી રીતે વહેતા ધોધને માણવા હજારો લોકો પહોંચતા હોય છે. પરંતુ વરસાદ વધતા અચાનક ઝરણામાં પાણીનો પ્રવાહ વધી જતા અનેક લોકો અધવચ્ચે ફસાયા હતા.
જુનાગઢમાં વરસાદની મોસમમાં ગિરનારનું સૌંદર્ય માણવા આવેલા પ્રવાસીઓ માટે કુદરતની મજા સજા બની ગઈ હતી. બે દિવસ પહેલા જટાશંકર મંદિર નજીક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં કેટલાક પ્રવાસીઓ ફસાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જટાશંકર મહાદેવના દર્શન કર્યા બાદ કેટલાક લોકો મંદિરની પાછળ આવેલા ધોધમાં ન્હાવાનો આનંદ માણી રહ્યા હતા. તે સમયે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો, અને નાહતા લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા.
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે લોકોએ એકબીજાની મદદથી અને લાકડાની સહાયથી પાણીના તેજ પ્રવાહમાંથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો. આ ઘટના બે દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે, જેમાં વરસાદી માહોલ વચ્ચે ગિરનારની સુંદરતા માણવા ગયેલા લોકોએ સાવચેતી ન રાખતા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. વરસાદની મોસમમાં ગિરનારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે, ત્યારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પરંતુ આનંદના અતિરેકમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. ઘણીવાર આ પ્રાકૃતિક સૌંદર્ય જ મોતનું તાંડવ બની જાય છે અને તેનો દોષ તંત્ર પર ઢોળી દેવામાં આવે છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh