સાહેબ થયા ટલ્લી…3 વાહનો ઉડાવ્યા, વડોદરામાં PSI એ કરી ખાખીને લજવતી કરતૂત, જુઓ Video
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા GSFC બ્રિજ પર પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વાય. એમ. પઢિયારે નશામાં ગાડી ચલાવી અકસ્માત કર્યો હતો.
વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં આવેલ GSFC બ્રિજ પર એક ગંભીર ઘટનામાં, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) વાય. એમ. પઢિયારે નશાની હાલતમાં રોંગ સાઈડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. તેઓની કાર પહેલા એક અન્ય કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ એક બાઈક સવારને પણ અડફેટે લીધી હતી.
ઘટનાની જાણ થતા છાણી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પીએસઆઈ પઢિયારની કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેના કારણે તેઓ સામે વધુ કાયદેસર પગલાં લેવામાં આવી શકે છે.
માહિતી અનુસાર, વાય.એમ. પઢિયાર હાલ રજા પર હતાં અને પોતાના નિવાસસ્થાને બોટાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો. તેઓ હાલ રાજપીપળા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે. વડોદરા પોલીસે તાત્કાલિક રાજપીપળા જિલ્લાના પોલીસ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, અકસ્માત દરમિયાન કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી કે સદનસીબે નુકસાન થયું નથી.
