ભાવનગરની રથયાત્રામાં ટેબ્લોને લઈને વિવાદ, પોલીસે બેનર ઉતારવાની પાડી ફરજ, શક્તિસિંહે ઘટનાને ચોરી પર સિનાજોરી- Video
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી 39મી રથયાત્રામાં એક ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જો કે પોલીસે આ બેનર ઉતારી લેવાની ફરજ પાડી હતી. આ બાબતે થોડી રકઝક પણ થઈ હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે સમગ્ર ઘટનાને સરકારની ચોરી પર સિનાજોરી ગણાવી છે.
ભાવનગરમાં અષાઢી બીજના દિવસે નીકળેલી રથયાત્રામાં થયો હોવાનું સામે આવ્યુ. રથયાત્રામાં ટ્રક નંબર 44માં રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના બેનર લગાવેલા હતા. જેમા ‘ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં હોમાયુ’ વગેરે સુત્રો લખેલા હતા.
પોલીસની ટેબ્લો પર નજર પડતા તેમણે ટ્રક ચાલકને અટકાવી આ ટ્રક રથયાત્રામાંથી બહાર કાઢી લેવા અથવા તો અગ્નિકાંડના તમામ પોસ્ટર હટાવી લેવાની ફરજ પાડી હતી. જેને લઈને થોડી રકઝક પણ થઈ હતી. આ સમગ્ર મામલે ટ્રક ચાલકનું કહેવુ છે કે રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાને જાણ કરી બેનર લગાવ્યા હતા. છતા પોલીસ દ્વારા બેનર ઉતારવાની ફરજ પડાઈ હતી.
આ સમગ્ર ઘટના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે ટેબ્લો બિનરાજકીય મિત્રોએ બનાવેલો હતો. આ અગાઉ પણ ભૂતકાળમાં સરકારની પ્રશંસા કરતા ટેબ્લો બનાવ્યા હતા અને તેના માટે તેમને ઈનામ પણ જીત્યા હતા. આ વખતે અગ્નિકાંડનો ટેબ્લો ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે જાગૃતતા લાવવા માટે બનાવ્યો હતો. પરંતુ પોલીસે ધમકાવીને બોર્ડ બેનર ઉતારાવી લીધા તે દુ:ખદ છે. શક્તિસિંહે પ્રહાર કર્યો કે સરકારની ચોરી પર સિનાજોરી છે. સરકારનું પાપ હતુ તેથી આ ઘટના બની છે. જે અધિકારીઓ સામેલ હોય તેમની સામે સરકારે કડક પગલા લેવા જોઈએ. જો સરકારના પેટમાં પાપ ન હોય તો જવાબદારોને સજા થવી જોઈએ.