Banaskantha: માં અંબાને 1 કિમી લાંબી ધ્વજા અર્પણ, 1152 ગજની ધ્વજા માતાજીને કરી અર્પણ, 300 ભક્તોની પદયાત્રા અંબાજી પહોંચી
અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે.
Banaskantha: અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. તો અંબાજી માતાને 1 કિમી લાંબી ધ્વજા અર્પણ કરાઈ છે. દાહોદના લીમખેડાનો સંઘ 1 કિલોમીટર લાંબી ધ્વજા સાથે અંબાજી પહોંચ્યો હતો. અને 1152 ગજની ધ્વજા માતાજીને અર્પણ કરી હતી. 300 લોકોના આ સંઘે જય અંબેના નાદ સાથે પદયાત્રા કરીને માતાજીના દરબાર સુધી યાત્રા ખેડી હતી. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
માતૃમિલન પ્રોજેક્ટનું આયોજન
અંબાજી મેળામાં પરિવારથી વિખૂટા પડેલા કે ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે અનોખો ‘માતૃમિલન પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને વોડાફોન આઈડીયાના સંયુક્ત ઉપક્રમે “માતૃમિલન પ્રોજેક્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દરેક બાળકને એક QR-Code કાર્ડ પહેરાવવામાં આવે છે. આ QR- Scan Codeમાં બાળકના વાલીનો મોબાઈલ નંબર એડ કરી લોક કરવામાં આવે છે.
યાત્રાળુઓની સુવિધા માટે QR Codeની પહેલ
આ ઉપરાંત, આ વખતે અંબાજીમાં યાત્રાળુઓને કોઈપણ અગવડનો સમનો ન કરવો પડે તે માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીને QR Codeની પહેલ કરવામાં આવી છે. આ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અને તેના સ્થળની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
આ ડિજીટલ પહેલથી મેળામાં ખોવાયેલી મહીસાગર જિલ્લાની બે દીકરીઓનું તેમની માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પોતાના પરિવાર સાથે મા અંબાના પગપાળા દર્શન કરવા પહોંચેલ નેહા પ્રજાપતિએ જણાવ્યું કે ‘કોરોનાના બે વર્ષ બાદ જ્યારે આ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભક્તો માટે ખાસ છે. હવે ફોર લેન રસ્તાથી લઈને ભક્તોને કોઈ પણ હાલાકી વેઠવી ન પડે તે રીતે ટ્રાફિકનું પણ નિયમન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કરવામાં આવેલી વિસામા અને રાહત કેમ્પની વ્યવસ્થાના કારણે જરા પણ થાકનો અનુભવ ન થાય તે રીતે અંબાજી પહોંચીને માના દર્શનનો લાભ લઈ શકાયો છે.’