ગુજરાતમાં 4થી 10 ઈંચ સુધીના વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતના જાણીતા હવામાન અંગે આગાહીકર્તા અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં 4 ઈંચથી લઈને 10 ઈંચ સુધીનો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે, ઉતર અને મધ્ય ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અસમતોલ વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સાંબેલાધારે વરસાદ તુટી પડ્યો છે. તો મધ્ય-પૂર્વ અને ઉતર ગુજરાતમાં સંતોષકારક વરસાદ વરસ્યો નથી. જેના પગલે, મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાતનો જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે. જો કે, ગુજરાતના જાણીતા હવામાન અંગે આગાહીકર્તા અંબાલાલ પટેલે, ખેડૂતોને રાહત આપતી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ઓગષ્ટ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે ગુજરાતના વિવિધ વિસ્તારમાં સારો અને સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, મધ્ય ગુજરાત સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. પંચમહાલના ભાગોમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતના દાંતીવાડા, વાવ, થરાદના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. વિરમગામના ભાગોમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાત માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, વડોદરા, આણંદમાં ફરી 4 થી 5 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી અંબાલાલે કરી છે.