અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં સતત પાંચમા દિવસે ડૉક્ટર્સની હડતાળથી રઝળ્યા દર્દીઓ- Video
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ સતત પાંચ દિવસથી હડતાળ પર છે. જેના કારણે દર્દીઓની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સમયસર સારવાર ન મળવાથી દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ રેસિડેન્ટ્સ પણ હવ્ કોલકાતાની ઘટના બાદ સલામતી બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડના મૂડમાં જણાતા નથી.
કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટરની રેપ બાદ જઘન્ય હત્યાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. દેશભરના રેસિડેન્ટ્સ તબીબે આ મહિલા ડૉક્ટરના પરિજનોને ન્યાય અપાવવા હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રેસિડેન્ટ્સની હડતાળને પગલે અનેક દર્દીઓ રઝળ્યા છે. સમયસર સારવાર ન મળતા ભારે હાલાકી વેઠી રહ્યા છે. સતત 5માં દિવસે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટસ ઓપીડી અને ઈમરજન્સી સેવાઓથી અળગા રહ્યા. ડૉક્ટર્સ માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બનાવવાની માગ સાથે આ રેસિડેન્ટ્સ હડતાળ કરી રહ્યા છે. એવામાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે પરંતુ તેમને સારવાર મળી રહી નથી. જેના કારણે દર્દીઓની હાલત સતત કફોડી બની રહી છે.
જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા વિરોધ સામે સરકારે હજુ મૌન ધર્યું છે. હજી સુધી કોઇ પણ નિવેદન સરકાર તરફથી સામે નથી આવ્યું. ત્યારે, સવાલ ઉઠે છે કે ક્યા સુધી હજારો દર્દીઓને આમ જ હાલાકી ભોગવવી પડશે? હડતાળ સમેટાશે કે હજી ઉગ્ર બનશે? આ બાબતે દર્દીઓ પણ નારજગી દર્શાવી રહ્યા છે.
તબીબોની હડતાળ સતત ખેંચાઈ રહી છે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે tv9 સાથે AMA ના પ્રમુખ તુષાર પટેલે વાત કરી હતી. તેઓનું કહેવું છે કે દર્દીઓ હેરાન થાય તે ખોટુ જ છે પરંતુ ડોક્ટર્સ પર અવારનવાર હુમલા થાય છે અને તે અટકવા પણ એટલા જ જરૂરી છે.
હડતાળ પર રહેલા જૂનીયર ડૉક્ટર્સનું કહેવું છે કે જેવી રીતે ડૉક્ટર્સ સામે હુમલાઓ થઇ રહ્યા છે. જેવી રીતે ડૉક્ટર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેનાથી ડૉક્ટર્સમાં આક્રોશ છે. ડૉક્ટર્સની સુરક્ષા ખુબ જ જરૂરી છે. ડૉકટર્સ પર થતા હુમલાઓ જરૂરથી અટકવા જોઇએ. પરંતુ હડતાળથી દર્દીઓને જ હાલાકી પડે છે. આ વાત પણ સમજવી પડશે. બુધવારથી હડતાળ સમાપ્ત થાય તેવી શકયતા છે. જે બાદ દર્દીઓને રાહત મળી શકે છે.