MONEY9: LICનો IPO રહ્યો ફ્લોપ, બીજા IPOs હિટ જશે?

હવે જેટલા IPO આવશે, તેમનું પ્રદર્શન તેમની કંપનીઓના બિઝનેસની સંભાવના અને તેમના ફંડામેન્ટલ્સના આધારે નક્કી થશે. અત્યારે કેટલાક વૈશ્વિક પરિબળોને લીધે દુનિયાભરના માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 04, 2022 | 8:54 PM

MONEY9: ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસી (LIC)ના આઇપીઓ (IPO)એ છેલ્લા એક વર્ષમાં ભારે ચર્ચા ચગાવી હતી. સરકારે પણ આ મહાકાય કંપનીના મેગા-IPO માટે એડી-ચોટીનું જોર લગાવ્યું હતું, ફૂલ તામજામ કર્યો હતો. LICની સાઈઝને જોતાં તો લાગતું હતું કે, તેનો IPO અનેક રેકોર્ડ બનાવશે. નિષ્ણાતોના મનમાં તો એવી ચિંતા પેઠી હતી કે, LICના IPOમાં લોકો કૂદી પડશે અને અઢળક બિડ મળશે, એટલે રોકાણકારોની જંગી રકમ રોકાઈ જશે અને બીજી કંપનીના IPOને નુકસાન જશે. જોકે જેટલી અરજીઓ મળી તેના આંકડા જોતા તો લાગે છે કે, આવું કશું ના થયું.

LICના IPOનું સબ્સક્રિપ્શન 9 મેના રોજ બંધ થયું ત્યારે કુલ 43,933 કરોડ રૂપિયાની બિડ મળી હતી, પરંતુ અંદાજ તો એવો હતો કે, આ IPO માટે લગભગ 1 લાખ કરોડ રૂપિયાની બોલી મળશે અને આટલા રૂપિયા બ્લૉક થઈ જશે. 16.2 કરોડ ઈક્વિટી શેરનું કદ ધરાવતો આ ઈશ્યૂ 2.95 ગણો ભરાયો હતો અને કુલ 47.83 કરોડ ઈક્વિટી શેર માટે બિડ મળી હતી.

પૉલિસીધારકો માટે જેટલો હિસ્સો આરક્ષિત હતો, તે 6.12 ગણો, કર્મચારીઓ માટેનો હિસ્સો 4.4 ગણો અને રિટેલ એટલે કે નાના રોકાણકારોનો હિસ્સો 1.99 ગણો ભરાયો હતો. બીજી બાજુ, સંસ્થાગત રોકાણકારો એટલે કે QIBનો હિસ્સો 2.83 ગણો અને બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 2.91 ગણો ભરાયો હતો.

LICના IPOમાં બીજા તો રેકોર્ડ ના બન્યા પણ બિડિંગના મોરચે તેણે એક રેકોર્ડ તોડ્યો. આ IPO માટે કુલ 73.38 લાખ અરજીઓ મળી, જે 2008માં બહુ ચગેલા રિલાયન્સ પાવરના ઈશ્યૂને મળેલી 46.44 લાખ અરજીઓ કરતાં ઘણી વધારે છે. પરંતુ જો વેલ્યુની દૃષ્ટિએ જોઈએ તો, LICના IPOનું પ્રદર્શન નિરાશાજનક કહેવાય, કારણ કે, રોકાણકારોના માત્ર 43,933 કરોડ રૂપિયા જ બેન્ક ખાતામાં બ્લૉક થયા હતા. તેની સામે જુલાઈ 2021માં આવેલા ઝોમેટાના આઈપીઓ માટે 2,09,095 કરોડ રૂપિયા બ્લૉક થયા હતા.

બજારના નિષ્ણાતોને તો એવી અપેક્ષા હતી કે, LICના IPOમાં બજારના ઘણા પૈસા રોકાઈ જશે, કારણ કે, તેનું વેલ્યુએશન વાજબી હોવાનું માનવામાં આવતું હતું. LICના IPO માટે શેરદીઠ પ્રાઈઝ બેન્ડ 902થી 949 રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે, LIC તેના IPO દ્વારા NSEના કેશ માર્કેટ સેગમેન્ટના એક દિવસના ટર્નઓવર જેટલી રકમ પણ ના ઉઘરાવી શકી. જો 1 મેથી 9 મે 2022 સુધીના આંકડા જોઈએ તો, NSEના કેશ માર્કેટ સેગમેન્ટમાં એક દિવસમાં સરેરાશ 66,400 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું.

નિષ્ણાતનો મત

સ્વસ્તિકા ઈનવેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણા કહે છે કે, હવે જેટલાં IPO આવશે, તેમનું પ્રદર્શન તેમની કંપનીઓના બિઝનેસની સંભાવના અને તેમના ફંડામેન્ટલ્સના આધારે નક્કી થશે. અત્યારે કેટલાક વૈશ્વિક પરિબળોને લીધે દુનિયાભરનાં માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ છે. જોકે, ભારતીય માર્કેટમાં આવી વોલેટિલિટી થોડીક ઓછી છે. ભારતીય બજારને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો અને નાના રોકાણકારોનો સારો સપોર્ટ મળ્યો છે. LICના IPOનો સાર કાઢીએ તો, કહી શકાય કે તેનાથી સેકન્ડરી માર્કેટ પર કોઈ ગંભીર અસર પડી નથી.

આખરે LICના IPOએ બધાને કેમ નિરાશ કર્યાં? તેનું પ્રદર્શન શા માટે ફિક્કું રહ્યું?

LICના IPOને વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIsએ પસંદ જ નહોતો કર્યો. આ IPOમાં FIIsએ કુલ 2.41 કરોડ શેર માટે અરજી કરી, જેનાથી માત્ર 2,292.37 કરોડ રૂપિયા જમા થયા, જે LICના IPOના કદના માત્ર 11 ટકા છે.

નિષ્ણાતનો મત

આ અંગે અનલિસ્ટેડ અરેનાના સ્થાપક અભય દોશી કહે છે કે, ભારે ઉતાર-ચઢાવ વચ્ચે જોલા ખાઈ રહેલાં બજારને કારણે જ, FIIsએ LICના IPOમાં રસ નહોતો દાખવ્યો. આંકડા આપણી સામે જ છે. છેલ્લાં કેટલાક મહિનાથી FII સતત વેચવાલી કરી રહ્યાં છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બજારોમાં અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલાં છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર વધારવાથી બજારો ડરી ગયા છે. આથી, વાજબી મૂલ્યાંકન હોવા છતાં LICના IPOમાં રોકાણકારોએ ઉત્સાહપૂર્વક ભાગ નહોતો લીધો.

તો આવી રીતે, બહુ ચર્ચાસ્પદ રહેલાં LICના IPO દ્વારા જે ફંડ ભેગું થયું, તેનાથી ના તો અન્ય IPOના સબ્સક્રિપ્શન પર અસર પડી કે ના તો શેરબજારના વર્તમાન કારોબાર પર કોઈ અસર પડી. આમ, આખીયે વાતનો સાર એટલો નીકળે કે, LICના IPO માટે જેટલો ઊહાપોહ અને શોરબકોર થયો, તે નકામો સાબિત થયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">