હાલમાં ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે. તેથી લોકો ઓફલાઈનની સાથે ઓનલાઈન શોપિંગ (Online Shopping Fraud) પણ કરતા હોય છે. જુદી-જુદી કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ઘણી ઓફર આપતા હોય છે. છેતરપિંડી કરનારી ગેંગ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. દેશમાં સાયબર ફ્રોડના (Cyber Crime) કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેથી સાયબર સેલ દ્વારા લોકોને આ બાબતે જાગૃત કરવામાં પણ આવી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, છેતરપિંડીથી બચવા ઓનલાઈન શોપિંગ વખતે શું સાવચેતી રાખવી જોઈએ.
ઓનલાઈન શોપિંગ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોય તેવા અનેક કેસ સામે આવ્યા છે. ઓનલાઈન શોપિંગથી લઈને સોશિયલ મીડિયા પર પેજ બનાવીને લોકોને લાલચ આપવામાં આવે છે. મોંધી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદવાની ઓફર કરવામાં આવે છે. આ પ્રકારની ઓફર જોઈને ઘણા લોકો ફ્રોડનો શિકાર બને છે. સાયબર નિષ્ણાત રાજેશ રાણાએ સાયબર ફ્રોડ અથવા ઓનલાઈન શોપિંગ ફ્રોડથી કેવી રીતે બચી શકાય તે અંગે જણાવ્યું છે.
સાયબર એક્સપર્ટ રાજેશ રાણાએ જણાવ્યું કે, ફેસ્ટિવ સિઝનમાં એવા અનેક કેસ સામે આવે છે જેમાં લોકોને ઓનલાઈન શોપિંગમાં જુદી-જુદી લલચામણી ઓફર્સ આપવામાં આવે છે અને લોકો તેની જાળમાં ફસાઈ જાય છે. લોકોએ ફેક વેબસાઈટને ઓળખવી જોઈએ અને જે તે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ ખરીદી કરવી જોઈએ. ઘણી વખત આવી ફેક સાઇટ્સને ઓળખવી મુશ્કેલ બની જાય છે, તે સમયે તેન માટે જરૂરી વિગતોની ચકાસણી કરવી જોઈએ.
આ પણ વાંચો : Mobile Tower Fraud: જો તમને કોઈ મોબાઈલ ટાવર લગાવી રૂપિયા કમાવવાની લાલચ આપે તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ
રાજેશ રાણાએ કહ્યુ કે, શક્ય હોય ત્યાં સુધી ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર બનાવેલ પેજ દ્વારા કોઈ પણ શોપિંગ કરવી નહીં, કારણ કે તેમાં ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ આવા પેજ બ્લોક કરી દેવામાં આવે છે. જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બને છે. આ ઉપરાંત શોપિંગ માટે ઓનલાઈન પેમેન્ટ કરવાને બદલે તમારે કેશ ઓન ડિલિવરી ઓપ્શન સિલેક્ટ કરવો જોઈએ.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો