આધાર કાર્ડમાં નામ, નંબર અને સરનામું બદલવા હવે નહીં ખાવા પડે કચેરીના ધક્કા, આવી રહી છે ‘સુપર એપ’
નવી આધાર એપને લઈને મોટી અપડેટ સામે આવી છે. UIDAI દ્વારા આધારના નવા એપનું ફુલ વર્ઝન 28 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યું છે. આ એપ આવ્યા બાદ આધાર અપડેટ કરાવવા માટે હવે લોકોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી મહત્વની માહિતી હવે ઘર બેઠા મોબાઈલથી અપડેટ કરી શકાશે.

UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારની નવી એપનું ફુલ વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આધાર ઓફિશિયલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી આપવામાં આવી છે કે 28 જાન્યુઆરીએ નવી આધાર એપ લોન્ચ થશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે
નવા આધાર એપના ફુલ વર્ઝનમાં અનેક મહત્વની સર્વિસ ઉમેરાય તેવી શક્યતા છે. એપ મારફતે આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ ID જેવી વિગતો અપડેટ કરી શકાશે. સૌથી ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા માટે હવે આધાર સેન્ટર પર જવાની ફરજ નહીં રહે.
આધાર ઓફિશિયલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અનુસાર, જો તમે આધાર કાર્ડ ઘરે ભૂલી જાઓ અને તમને હોટેલમાં ચેક-ઇન કરવું હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નહીં પડે. નવા આધાર એપ દ્વારા ડિજિટલ આધાર બતાવીને હોટેલ, ઓફિસ કે અન્ય જગ્યાએ ચેક-ઇન શક્ય બનશે. એટલે હવે ફિઝિકલ આધાર સાથે રાખવાની ફરજ પણ ઘટશે. નવા આધાર એપમાં QR કોડ વેરિફિકેશન સિસ્ટમ પણ ઉમેરાઈ શકે છે. આ ફીચરથી તમે કોઈપણ વ્યક્તિના આધારની તાત્કાલિક ચકાસણી કરી શકશો. ખાસ કરીને ઘર ભાડે આપનારાઓ, નોકરાણી કે ઘરકામ માટે સહાયક રાખનારાઓ માટે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થશે.
તો ઉત્તર પ્રદેશ સરકારએ ગ્રામ પંચાયત સ્તરે આધાર સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે આધાર અપડેટ લોકોના ગામમાં જ શક્ય બનશે. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આ યોજના ખૂબ ઉપયોગી સાબિત થશે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયત સ્તરે આધાર સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધાથી ગ્રામ્ય મહિલાઓ, પુરુષો અને બાળકોને લાંબી લાઈનો અને સમયના બગાડમાંથી મુક્તિ મળશે.
અત્યાર સુધી ગ્રામ્ય લોકોને આધાર સુધારણા માટે વહેલી સવારે શહેરના મુખ્ય પોસ્ટ ઓફિસ કે બેંકમાં ટોકન લેવા જવું પડતું હતું. નક્કી કરેલી તારીખે ફરી જઈને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. આ પ્રક્રિયામાં વૃદ્ધો અને બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નાનકડા સુધારા માટે પણ શહેર દોડવું પડતું હતું.
આ યોજનાની શરૂઆત રાજધાની લખનઉથી કરવામાં આવી છે. સરોજિનીનગર બ્લોકની ભટગવાં પાંડે ગ્રામ પંચાયત અને ચિનહટ બ્લોકની સૈરપુર ગ્રામ પંચાયતમાં આધાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. અહીંના ગ્રામ્ય લોકો હવે પોતાના ગામમાં જ આધાર કાર્ડ બનાવવાની અને તેમાં સુધારો કરવાની સુવિધાનો લાભ લઈ રહ્યા છે. પંચાયતી રાજ વિભાગે આ યોજના સમગ્ર રાજ્યમાં વિસ્તૃત કરવાની તૈયારી કરી છે. પ્રથમ તબક્કામાં 1,000 ગ્રામ પંચાયતમાં આધાર સેવાઓ શરૂ કરવામાં આવશે. બાદમાં આ સુવિધા રાજ્યની તમામ 57,694 ગ્રામ પંચાયતો સુધી પહોંચાડવામાં આવશે. આ માટે પંચાયત સહાયકોને તાલીમ આપવામાં આવી રહી છે, જે ગ્રામ્ય લોકોને ડિજિટલ સાધનો દ્વારા મદદ કરશે.
કુલ મળીને જોઈએ તો નવી આધાર એપ લોકો માટે મોટી રાહત લઈને આવી રહી છે. આધાર અપડેટથી લઈને વેરિફિકેશન સુધીની સુવિધાઓ હવે મોબાઈલમાં જ મળશે. એટલે આધાર અપડેટમાં થતી હાલાકી હવે ભૂતકાળ બનશે.
