Avani lekhara life: એક અકસ્માતે બાળપણ છીનવી લીધું, આજે બની દેશનું ગૌરવ
19 વર્ષીય અવની લેખરા જયપુરની રહેવાસી છે. તેણે 2015માં શૂટિંગ શરૂ કર્યું અને ટોક્યો પેરાલિમ્પિક્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો.
Avani Lekhara life: 30 ઓગસ્ટનો દિવસ ભારતના રમત ઈતિહાસમાં કાયમ માટે અમર થઈ ગયો છે. આનો શ્રેય પેરા શૂટર અવની લેખરાને જાય છે. ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક રમતોમાં અવનીએ એર પિસ્તોલના વર્ગ SH1માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અવની ભારત માટે પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર પ્રથમ મહિલા ખેલાડી છે.
જયપુરની રહેવાસી આ 19 વર્ષીય અવનીએ ઈવેન્ટની ફાઈનલમાં 249.6 પોઈન્ટ મેળવીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને પ્રથમ સ્થાન મેળવ્યું. તેને ચીનની ઝાંગ કુઈપીંગ (248.9 પોઇન્ટ)ને પાછળ છોડી દીધી અને ગોલ્ડ મેડલ (Gold medal) પર કબજો કર્યો. 10 વર્ષની સતત મહેનત બાદ અવનીએ આખરે રમતના સૌથી મોટા મંચ પર પોતાની જાતને સાબિત કરી.
એક અકસ્માતે જીવન બદલી નાખ્યું
અવની વ્હીલચેર પર બેસીને તેના કાર્યક્રમમાં ભાગ લે છે. અવની એક સમયે સામાન્ય જીવન જીવતી હતી, પરંતુ 2012માં એક અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું. અવની કાર અકસ્માતનો ભોગ બની હતી જેના કારણે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આ પછી તેને વ્હીલ ચેર (Wheelchair)પર બેસવાની ફરજ પડી હતી.
અવની જયપુર સેન્ટ્રલ યુનિવર્સિટી (Jaipur Central University)માં અભ્યાસ કરતી હતી. વ્હીલચેર પર આવ્યા બાદ તેણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે શાળાના ટોપર્સમાં હતી. અવનીના પિતાએ પુત્રીને રમતની દુનિયામાં જવા માટે પ્રેરણા આપી. અવની શૂટિંગ પહેલા તીરંદાજી (Archery)કરતી હતી. જો કે, તેણે શૂટિંગનો વધુ આનંદ માણવાનું શરૂ કર્યું અને તેને ચાલુ રાખ્યું. આ સમય દરમિયાન તેમણે અભિનવ બિન્દ્રા (Abhinav Bindra)નું પુસ્તક ‘એ શોટ એટ હિસ્ટ્રી’ વાંચ્યું જેણે તેમને વધુ પ્રેરણા આપી.
તાલીમ 2015માં શરૂ કરી
2015માં અવનીએ તેની તાલીમ શરૂ કરી હતી. પોતાના કોચ પાસેથી રાઈફલ ઉધાર લઈને તેણે રાજસ્થાન સ્ટેટ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યો. અવનીએ 2017માં પ્રથમ આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું. તેણે યુએઈમાં યોજાયેલા વર્લ્ડ કપ (World Cup)માં ભાગ લીધો હતો.
2016થી 2020 વચ્ચે અવનીએ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ (National Shooting Championship)માં 5 વખત ગોલ્ડ મેડલ જીતીને પોતાનું નામ બનાવ્યું. વર્ષ 2019માં તેમને ગોસ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા ભારતમાં સૌથી આશાસ્પદ પેરાલિમ્પિક એથ્લેટ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અવનીએ વર્ષ 2018માં એશિયન પેરા ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચો : Tokyo Paralympics 2020: ભારતે 2 કલાકમાં 4 મેડલ જીત્યા, આજે ત્રણેય રંગના મેડલ ભારતના ખાતામાં જમા થયા