Paris Olympics 2024 : વિનેશ ફોગાટનું વજન વધવા પાછળ કોણ છે ગુનેગાર? પીટી ઉષાનું સનસનાટીભર્યું નિવેદન
વિનેશ ફોગાટને વધુ વજનના કારણે પેરિસ ઓલિમ્પિક 2024 માટે અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ પછી મેડિકલ ટીમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે પીટી ઉષાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
પેરિસ ઓલિમ્પિક 2024 ભલે પુરું થઈ ગયું હોય, પરંતુ રેસલર વિનેશ ફોગાટનો મુદ્દો હજુ પણ ગરમ છે. પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાની દાવેદાર માનવામાં આવતી વિનેશ ફોગાટને ફાઈનલ મેચ પહેલા વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો, પરંતુ ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ મેડિકલ ટીમ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હવે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.
મેડિકલ ટીમને દોષ આપવો યોગ્ય નથી
વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ એક વર્ગ IOAની મેડિકલ ટીમ, ખાસ કરીને ડો. દિનશા પારડીવાલા અને તેમની ટીમને નિશાન બનાવી રહ્યો છે અને તેમની પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યો છે. પરંતુ પીટી ઉષા સ્પષ્ટપણે કહે છે કે મેડિકલ ટીમને દોષ આપવો યોગ્ય નથી. પીટી ઉષાએ કહ્યું, ‘કુસ્તી, વેઈટલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો જેવી રમતોમાં એથ્લેટ્સના વેઈટ મેનેજમેન્ટની જવાબદારી દરેક એથ્લેટ અને તેના કોચની હોય છે, IOAના ચીફ મેડિકલ ઓફિસર ડો. દિનશા પારડીવાલા અને તેમની ટીમની નહીં. IOA મેડિકલ ટીમ, ખાસ કરીને ડો. પારડીવાલા પ્રત્યે નફરત અસ્વીકાર્ય છે. કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ હકીકતો પર વિચાર કરશે.
પીટી ઉષાએ કોચ પર સાધ્યું નિશાન
પીટી ઉષાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘IOA દ્વારા નિયુક્ત ચીફ મેડિકલ ઓફિસર ડો. દિનશા પારડીવાલા અને તેમની ટીમને ગેમ્સના થોડા મહિના પહેલાં બોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તેમનું કાર્ય એથ્લેટ્સને ઈવેન્ટ દરમિયાન અને પછી રિકવરી અને ઈજાના સંચાલનમાં મદદ કરવાનું હતું. વધુમાં, IOA મેડિકલ ટીમ એ એથ્લેટ્સને ટેકો આપવા માટે બનાવવામાં આવી હતી કે જેમની પાસે ન્યુટ્રિશનિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની પોતાની ટીમ નથી. તેમણે એમ પણ કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં દરેક ભારતીય એથ્લેટ પાસે આવી રમતોમાં પોતાની સપોર્ટ ટીમ છે. આ ટીમો ઘણા વર્ષોથી એથ્લેટ્સ સાથે કામ કરી રહી છે.
મેડલ અંગેનો નિર્ણય 13 ઓગસ્ટે આવશે
વિનેશે પોતાની ગેરલાયકાત સામે રમતગમતની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. ફોગાટે અગાઉ ફાઈનલ મેચ રમવાની માંગ કરી હતી, પરંતુ તેમની અપીલ પર CAS એ કહ્યું કે તે મેચને રોકી શકે નહીં, જેના પછી ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી. આ મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને 13 ઓગસ્ટની સાંજ સુધીમાં આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: 100 ટેસ્ટ મેચ રમનાર ક્રિકેટરે કરી આત્મહત્યા, મૃત્યુના 7 દિવસ બાદ પત્નીએ કર્યો ખુલાસો