IND U19 vs PAK U19 : થશે કાંટાની ‘ટક્કર’! વૈભવ સૂર્યવંશી પાકિસ્તાન પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરવા માટે તૈયાર, દુબઈમાં બેટથી તબાહી મચાવશે
ભારતીય ટીમે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025 ની શરૂઆત જીત સાથે કરી હતી. જો કે, હવે તેનો મુકાબલો રવિવારે (13 December) એટલે કે આવતીકાલે પાકિસ્તાન સાથે છે. એવામાં ફેન્સની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે.

ભારતીય ટીમે ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2025 ની શરૂઆત જીત સાથે કરી હતી. શરૂઆતની મેચમાં ભારતીય ટીમે UAE ને 234 રનથી હરાવ્યું હતું. બીજીબાજુ પહેલા દિવસની બીજી મેચમાં, પાકિસ્તાન અંડર-19 ની ટીમે મલેશિયાને 297 રનથી હરાવ્યું હતું. જો કે, હવે ભારત-પાકિસ્તાન એકબીજા સામે ટકરાવવા માટે તૈયાર છે.
બંને કેપ્ટન હાથ મિલાવશે કે નહીં?
રવિવારે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાનની યુવા ટીમો ટકરાશે. મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ સવારે 10 વાગ્યે થશે. ટોસ દરમિયાન બંને કેપ્ટન હાથ મિલાવશે કે નહીં અને મેચ પછી ખેલાડીઓ હાથ મિલાવશે કે નહીં? તે જોવાનું રહેશે.
વૈભવનું ફોર્મ વધુ ખતરનાક
આટલું જ નહીં, યુવા ભારતીય સેન્સેશન ‘વૈભવ સૂર્યવંશી’ પણ પાકિસ્તાન પર બેટ થકી સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે તૈયાર છે. આ દિવસોમાં વૈભવનું બેટ ‘બ્રહ્મોસ’ કરતા પણ વધુ ખતરનાક બની ગયું છે, જેની ઝલક શુક્રવારે United Arab Emirates સામેની મેચમાં જોવા મળી ગઈ હતી. આ મેચમાં વૈભવે પોતાના બેટથી રનનો વરસાદ કર્યો હતો.
180 ની તોફાની સ્ટ્રાઇક રેટ
UAE સામેની મેચમાં વૈભવે 180 ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. જો કે, તે ફક્ત 29 રનથી બેવડી સદી ચૂકી ગયો હતો. વૈભવે 95 બોલમાં 171 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં, વૈભવે 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ વૈભવે એક શાનદાર કેચ પણ પકડ્યો હતો. એવામાં, તે પાકિસ્તાન સામે આ ફોર્મ ચાલુ રાખવાનો પ્રયાસ કરશે.
મોટી ઇનિંગ્સની અપેક્ષા
વૈભવ ઉપરાંત, એરોન જ્યોર્જ અને વિહાન મલ્હોત્રા પણ શાનદાર ફોર્મમાં છે. બંનેએ યુએઈ સામેની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી. આથી, તેમની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા ટીમ રાખી શકે છે. કેપ્ટન આયુષ મ્હાત્રેએ સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે, કારણ કે તે UAE સામે ફક્ત 4 રન જ બનાવી શક્યો હતો.
