Breaking News : T20 World Cup 2026 માં ઇન્જરી નો આતંક, 7 ખેલાડીઓ ટુર્નામેંટમાંથી બહાર
T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં જ ઘણી ટીમોને ઈજાઓનો મોટો ફટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા બાદ હવે ટીમ ઈન્ડિયાને પણ આંચ આવી છે. અત્યાર સુધી કુલ 7 ખેલાડીઓ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે, જેના કારણે તમામ ટીમોની તૈયારી પર અસર પડી છે.

T20 વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર 24 કલાક પહેલાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી અને સમયસર સ્વસ્થ થવાની શક્યતા ઓછી હોવાથી તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણાની જગ્યાએ મોહમ્મદ સિરાજને સ્ક્વોડમાં સામેલ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાને બે મુખ્ય બોલરો ગુમાવવા પડ્યા
ઓસ્ટ્રેલિયાને ઈજાઓને કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ટીમના બે મુખ્ય ઝડપી બોલર પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. પેટ કમિન્સ પીઠની ઈજાને કારણે બહાર થયો છે, જ્યારે હેઝલવુડ હેમસ્ટ્રિંગ અને એચિલીસ ઈજામાંથી હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેમના સ્થાને બેન દ્વાર્શિયસ અને શોન એબોટને તક મળી શકે છે.
દક્ષિણ આફ્રિકાને પણ બેવડો ફટકો
દક્ષિણ આફ્રિકાની ટીમને પણ ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. ડાબોડી બેટ્સમેન ટોની ડી જોર્ઝી ભારત પ્રવાસ દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ટુર્નામેન્ટ માટે અયોગ્ય ઠર્યો છે. સાથે જ, ડોનોવન ફેરેરા પણ SA20 દરમિયાન ખભાની ઈજા ભોગવી ચૂક્યો છે, જેના કારણે તે પણ વર્લ્ડ કપમાંથી બહાર થયો છે.
ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પણ નુકસાન
ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્ને ડાબા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને કાયલ જેમિસન ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન ઉલ હક ને જમણા ખભામાં સ્ટ્રેસ ફ્રેક્ચર થવાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડશે.
હર્ષિત રાણાની જગ્યાએ આ સ્ટાર ખેલાડીને મળી તક, દોઢ વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં વાપસી
