IPL 2024: હૈદરાબાદે મુંબઈને 31 રનથી હરાવ્યું, મેચમાં રેકોર્ડ કુલ 523 રન બન્યા
IPL 2024ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે સિઝનની પ્રથમ જીત મેળવી હતી. તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ સતત બીજી મેચ હારી ગઈ હતી અને પોઈન્ટ ટેબલમાં ખાતું પણ ખોલ્યું નથી. આ મેચમાં રેકોર્ડબ્રેક રન બન્યા હતા.
IPL 2024ની આઠમી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 277 રનનો રેકોર્ડબ્રેક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મુંબઈની ટીમ 246 રન જ બનાવી શકી અને હૈદરાબાદ 31 રને જીતી ગયું. જો કે મેચમાં મુંબઈના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી અને હૈદરાબાદને જોરદાર ટક્કર આપી, પરંતુ અંતે જીત SRHના નામે રહી.
મેચમાં રેકોર્ડ 523 રન બન્યા
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની આ મેચમાં બંને ટીમોના મળી કુલ 523 રન બન્યા હતા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓ દ્વારા કુલ 38 સિક્સર ફટકારવામાં આવી હતી, આ પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.
હૈદરાબાદનો વિજય
સનરાઈઝર્સ હૈદરાબાદની જીત તેના બેટ્સમેનોએ નક્કી કરી હતી. હેનરિક ક્લાસને સૌથી વધુ 34 બોલમાં અણનમ 80 રન બનાવ્યા હતા. ક્લાસેનના બેટમાંથી 7 સિક્સર નીકળી હતી. અભિષેક શર્માએ 23 બોલમાં 63 રન બનાવ્યા, આ ખેલાડીએ 7 સિક્સ પણ ફટકારી. ટ્રેવિસ હેડે 24 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ સિવાય એડન માર્કરામે અણનમ 42 રન બનાવ્યા હતા.
મુંબઈના બેટ્સમેનોનું પ્રદર્શન
મુંબઈના બેટ્સમેનોએ પણ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ પર પોતાની તાકાત બતાવી હતી. તિલક વર્માએ 34 બોલમાં 64 રનની ઈનિંગ રમી હતી. ટિમ ડેવિડે પણ અણનમ 42 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 13 બોલમાં 34 રન અને નમન ધીરે 14 બોલમાં 30 રન બનાવીને હૈદરાબાદને પડકાર આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાની ધીમી ઈનિંગ ટીમને હાર તરફ લઈ ગઈ. પંડ્યાએ માત્ર 120ના સ્ટ્રાઈક રેટથી 24 રન બનાવ્યા હતા.
બોલરોની ખરાબ હાલત
મુંબઈ અને હૈદરાબાદ વચ્ચેની મેચમાં બોલરોની હાલત ખરાબ થઈ હતી. ચાર બોલર એવા હતા જેમણે 50થી વધુ રન આપ્યા હતા. ક્વેના મફાકાએ સૌથી વધુ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા. ગેરાલ્ડ કોટજેયાએ 4 ઓવરમાં 57 રન, ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 53 જ્યારે મયંક માર્કંડેએ 4 ઓવરમાં 52 રન આપ્યા હતા.
મુંબઈ પોઈન્ટ ટેબલમાં નવમાં નંબર પર
મુંબઈ ઈન્ડિયન્સને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે અને તેના કારણે તે પોઈન્ટ ટેબલમાં નવમાં નંબર પર આવી ગઈ છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદે 31 રનથી જીત મેળવીને તેની નેટ રન રેટમાં સુધારો કર્યો છે અને હવે તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
આ પણ વાંચો : IPL 2024: 18 છગ્ગા, 19 ચોગ્ગા… 277 રન, સનરાઈઝર્સ હૈદરાબાદે રચ્યો ઈતિહાસ